(જી.એન.એસ.)અયોધ્યા,
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા હવે રામ મંદિર નિર્માણને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રામ મંદિર ૭૦ નહીં પણ ૧૦૭ એકરમાં બનશે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે વધારે ૭૨૮૫ સ્ક્વેર ફૂટ જમીન ખરીદી લીધી છે.આ જમીન ખરીદવામાં આવ્યા બાદ રામ મંદિર પરિસરનું નિર્માણ ૧૦૭ એકરમાં કરવામાં આવશે. રામજન્મભૂમિ વિવાદ પર આવેલા નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ૭૦ એકર જમીન મળી હતી. જે પહેલા કેન્દ્ર સરકારને આધિન હતી. પરંતુ હવે ટ્રસ્ટ તરફથી હવે આસપાસની કેટલીક વધુ જમીન ખરીદવામાં આવી છે જેથી કરીને રામ મંદિર પરિષરને ભવ્ય અને વિશાળ સ્વરૂપ આપી શકાય.શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે રામ જન્મભૂમિ પરિસરમાં લગભગ પાંચ એકર વિસ્તારમાં રામલલ્લાનું મંદિર બનશે. આ ઉપરાંત અન્ય વિસ્તારમાં અનેક નાના મોટા મંદિરો બનાવવામાં આવશે. તીર્થયાત્રાળુઓ માટે પણ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
તેવી જ રીતે આ પરિસરમાં મ્યુઝિયમ, લાઈબ્રેરી જેવી સુવિધાઓ પણ કરવામાં આવશે. મંદિર બનાવવા માટે પથ્થરો શોધવાનું કામ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે.
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટે અનેક કંપનીઓ સાથે સમજુતિ કરી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે લાર્સન એંડ ટુબ્રો લિમિટેડને શ્રી રામ મંદિર નિર્માણની પરિકલ્પના અને બાંધકામ માટે નિમવામાં આવી છે. આ ઉપરાંત મંદિર ક્ષેત્રમાં તીર્થયાત્રીઓ માટે સુવિધાઓ/સેવાઓના વિકાસ માટે ક્ષેત્રને વિકસીત કરવા માટે ટાટા કંસક્ટિંગ એંજિનિયર્સને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંસક્ટંસી ને ડિઝાઈન એંડ એંજીનિયરિંહ સાથે ટ્રસ્ટે કરાર કર્યા છે.