સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણ અન્વયે આજરોજ તા.૦૭/૦૩/૨૦૨૧ ના રોજ પોલીસ હેડ ક્વાર્ટર બોટાદ ખાતે જિલ્લાની મહિલાઓ માટે રાયફલ શુટીંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ અને યુવતીઓને હથિયાર ચલાવવાની માહિતી મળી રહે તથા તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી સ્વ-રક્ષણ માટે પ્રતિબદ્ધ બનાવવાના હેતુથી હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક બોટાદ ના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ ક્વાર્ટર બોટાદ ખાતે હંગામી ધોરણે ફાયરીંગ રેન્જ તૈયાર કરી કુલ-૭૦ મહિલાઓ અને યુવતીઓને ૦.૨૨ રાયફલ શુટીંગની તાલીમ આપવામાં આવી હતી.
પોલીસ હેડ ક્વાર્ટર બોટાદ ખાતે બોટાદ જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના સભ્ય બહેનો તથા અન્ય મહિલાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી કરતી યુવતીઓ માટે ફાયરીંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા પોલીસ હેડ ક્વાર્ટરના એ.ડી.આઇ. દ્વારા પ્રથમ મહિલાઓને હથિયાર વિશે અને તેને કઇ રીતે ચલાવવામાં આવે છે તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમમાં હાજર મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના માર્ગદર્શન અને મદદથી રાયફલ શુટીંગ માટે આવેલ મહિલાઓ/યુવતીઓને ૦.૨૨ રાયફલનું શુટીંગ કરાવવામાં આવેલ. જિલ્લાની મહિલાઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લઇ હથિયાર ચલાવવાની તાલીમ મેળવી હતી.
રાયફલ શુટીંગ કર્યા બાદ ભાગ લેનાર દરેક મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોલીસ વિભાગનો આ કાર્યક્રમ યોજવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતમાં રાયફલ શુટીંગમાં ભાગ લેનાર દરેક મહિલાઓ સાથે હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ નાઓએ સંવાદ કર્યો હતો. પોલીસ અધિક્ષક એ સામાજીક જીવનમાં મહિલાઓના મહત્વ અને યોગદાન વિશે તેમજ મહિલાઓને સ્વ-રક્ષણ બાબતે જાગૃત થઇ આત્મનિર્ભર બનવા પ્રેરણાત્મક સંદેશ આપેલ અને વિશ્વ મહિલા દિવસની શુભેછાઓ પાઠવેલ હતી.