ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના મામલે તપાસ કરી ઘણી બિલ્ડીંગ ધારકોને નોટીસ પાઠવી હતી પરંતુ નોટીસને પણ બિલ્ડીંગ ધારકો ગાઠતા ન હોય તેમ હજુ સુધી ફાયર સેફટીના સાધનો નખાવવામાં આવ્યા નથી ત્યારે હવે મહાપાલિકાએ નળ-ગટર કનેકશન કાપવાની ચીમકી આપી છે. ત્રણ-ચાર દિવસ બાદ મનપા દ્વારા કાર્યવાહી કરાશે ત્યારે રાજકીય દબાણ વચ્ચે મહાપાલિકા કાર્યવાહી કરી શકશે ? તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ છે.
ફાયર સેફટી બાબતે હાઈકોર્ટમાં દાખલ થયેલ પીઆઈએલ અન્વયે ભાવનગર શહેરમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડીંગમાં ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર્સ એકટ-ર૦૧૩ અને તેમાં થયેલ વખતો વખતના સુધારા મુજબ ફાયર સેફટીના સાધનો લગાવવા અનિવાર્ય છે. ભાવનગર મહાપાલિકા વિસ્તારની આ સાથે સામેલ હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ફાયર વિભાગ દ્વારા નોટીસો આપવામાં આવેલ છે છતા આજદિન સુધી ફાયર સેફટીના સાધનોનુ ઈન્સ્ટોલેશન કરેલ નથી કે ફાયર વિભાગનુ નો-ઓબજેકશન સર્ટી (એનઓસી) લીધેલ નથી કે રીન્યુ કરાવેલ નથી. એકટની કલમ-ર૬ મુજબ ફાયર સેફટીના સાધનો લગાડેલ ન હોય અને ફાયર વિભાગનુ એનઓસી ન લીધેલ હોય તેવી આશરે ૪પ બિલ્ડીંગોના નળ-ગટરના કનેકશનો કાપવામાં આવશે, જેમાં મેડીકલ સ્ટાફ કર્વાટર (એ ડિવિઝન સામે), સર.ટી.હોસ્પિટલ સ્ટાફ કર્વાટર્સ, મેડીકલ કોલેજ બિલ્ડીંગ, પન્ના ટેરેસ, પૃથ્વી વલ્લભ, લા-મીરા, શિલ્પી એપાર્ટમેન્ટ સહિતના બિલ્ડીંગોનો સમાવેશ થાય છે.
દરેક હાઈરાઈઝ બિલ્ડીંગના માલિકો તથા મિલ્કતના ઉપભોગતાઓએ નોંધ લેવી તેમજ ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૧પ મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતી મિલ્કતો-બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોની ઈન્સ્ટોલેશનની વ્યવસ્થા કરવાની રહે છે, જે અંગે તમામ બિલ્ડીંગ ધારકોએ નોંધ લેવી તેમ મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીએ જણાવેલ છે. ત્રણ-ચાર દિવસનો હજુ બિલ્ડીંગ ધારકોને સમય આપવામાં આવશે અને ત્યારબાદ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપાના અધિકારીએ જણાવેલ છે. ફાયર સેફટીનો મામલો ગંભીર છે ત્યારે મહાપાલિકાએ કોઈની શરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.