રાજ્યકક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર ગ્રામ્યની ટીમ ચેમ્પીયન

404

ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા હેન્ડબોલ એસોસિએશન દ્વારા સ્વ. આર.ડી.ચંદા મેમોરીયલ જુનીયર (અન્ડર-૧૯) ભાઈઓની રાજ્યકક્ષાની હેન્ડબોલ ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર ગ્રામ્યની ટીમ મહેસાણાની ટીમને હરાવી ચેમ્પિયન બની હતી. ભાવનગર શહેરની ટીમે તૃતીય ક્રમ મેળવ્યો હતો. ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
ભાવનગર શહેરના કે.એસ.એમ.સ્પોર્ટસ કલબ ખાતે ગત તા. પ થી ૭ માર્ચ દરમિયાન રાજ્યકક્ષાની અન્ડર-૧૯ હેન્ડબોલ ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ગત શુક્રવારે સવારે રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો, જેમાં ભાવનગર, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, જામનગર, બોટાદ વગેરે જિલ્લાની આશરે ૧૬ ભાઈઓની ટીમ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની આજે રવિવારે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. પ્રથમ સેમીફાઈનલમાં ભાવનગર શહેરનો મહેસાણા સામે પરાજય થયો હતો તેથી મહેસાણાની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. બીજી સેમીફાઈનલ મેચમાં ભાવનગર ગ્રામ્યની ટીમ અમદાવાદની ટીમ હરાવી ફાઈનલમાં પહોંચી હતી. ત્રીજા ક્રમ માટે મેચ રમાડવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેરની ટીમે અમદાવાદની ટીમ સામે વિજય મેળવી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ફાઈનલ મેચ ભાવનગર ગ્રામ્ય અને મહેસાણાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતવા ભારે રસાકસી જામી હતી પરંતુ ભાવનગર ગ્રામ્યના ખેલાડીઓએ સુંદર રમત રમી વિજય મેળવ્યો હતો. મહેસાણાની ટીમ રનર્સઅપ થઈ હતી. મેચ નિહાળવા બહોળી સંખ્યામાં રમતપ્રેમી, સિનીયર ખેલાડીઓ હાજર રહ્યા હતાં. હેન્ડબોલ ટુર્નામેન્ટના અંતે ચારેય ટીમના ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તેથી ખેલાડીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી.

Previous articleભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
Next articleસુનીલ ગ્રોવરનાં રસોડામાં ઘુસ્યો વાંદરો, દહી લઇ ગયો