(સં.સ. સે.) નવી દિલ્હી, તા. ૮
સંસદના બજેટ સત્રના બીજા ભાગની શરૂઆત આજથી થઇ છે. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થતાં જ વિપક્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે હંગામો કર્યો હતો. જે બાદ રાજ્યસભાની કાર્યવાહી ૧૧ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.જે બાદ ૧૧ વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઇ હતી. કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી. જો કે, ડેપ્યુટી સ્પીકરે આ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો હતો. રાજ્યસભા હવે ૧ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. વિપક્ષે ગૃહમાં વિરોધ કર્યો હતો કે, પેટ્રોલ, ડીઝલ અને સિલિન્ડરના ભાવ કેટલાક દિવસોથી આસમાને છે. આવામાં ગરીબોને ઘણી પરેશાની થઇ રહી છે. આ એક દેશવ્યાપી મુદ્દો છે. આવામાં સરકારે તરત ચર્ચા કરવી જોઇએ. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સમગ્ર દેશ સંકટમાં છે. આવામાં સરકારે કોઇ હલ કાઢવો જોઇએ.
કોંગ્રેસ સાંસદોએ રાજ્યસભાની સાથે સાથે લોકસભામાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઇને મુલતવી પ્રસ્તાવ આપ્યો છે.
રાજ્યસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં મનીષ તિવારીએ મુલતવી પ્રસ્તાવ આપ્યો છે અને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર ચર્ચાની માંગ કરી છે. સાથે જ સોમવારે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૃહમાં કેટલાક મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી.
આ દરમિયાન સોનલ માનસિંહે અપીલ કરતાં કહ્યું કે, મહિલા દિવસની જેમ જ પુરુષ દિવસ પણ મનાવવો જોઇએ. પ્રિયંકા ચતુર્વેદીએ મહિલાઓ માટે ૩૩ની જગ્યાએ ૫૦ ટકા અનામતની વાત કરી હતી.