(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૮
દિલ્હીની એક કોર્ટ ૨૦૦૮ના બાટલા હાઉસ એકાઉન્ટર કેસમાં સામેલ આતંકી આરિજ ખાનને દોષી જાહેર કર્યો છે. દિલ્હી કોર્ટે આ કેસમાં આરોપીને સજા આપવા માટે ૧૫ માર્ચે સુનવણી કરતા નિર્ણય લેશે. વર્ષ ૨૦૦૮માં દિલ્હીના બાટલા હાઉસ એકાઉન્ટરમાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલમાં ફરજ બજાવી રહેલા ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા આતંકીઓ દ્વારા ગોળી મારવાથી શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં અન્ય બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.
બહુચર્ચિત બાટલા હાઉસ એકાઉન્ટર કેસમાં ૪૪ વર્ષના દિલ્હી સ્પેશ્યલ સેલના ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્માને ૧૯ સપ્ટેમ્બરે દક્ષિણ દિલ્હીના બાટલા હાઉસમાં સંતાયેલા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ દરમિયાન ત્રણ ગોળી વાગી હતી. જે પછી સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા.
દિલ્હી કોર્ટે આરિજ ખાનને હત્યા, હત્યાનો પ્રયત્ન, સરકારી કર્મચારી પર હુમલો, સરકારી કામમાં અડચણ નાખવા, સરકારી કર્મીઓને ઇજા પહોંચાડવા, આર્મ્સ એક્ટ સહિત અન્ય આરોપોમાં દોષી જાહેર કર્યો હતો. આ સિવાય કોર્ટે શહીદ ઇન્સ્પેક્ટર અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓના પરિવારની આર્થિક વળતર પર વિચારણા કરવાનો નિર્ણય પણ લીધો હતો.
આ કેસમાં ૨૦૧૩માં એક આતંકવાદી શહેજાદ અહમદને સજા થઇ ચૂકી હતી. બાટલા હાઉસ એન્કાઉન્ટર દરમિયાન બંને આતંકવાદીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે તેમના ત્રણ સાથી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આરિજ ખાન ૨૦૦૮માં દિલ્હી, જયપુર, અમદાવાદ અને ઉત્તર પ્રદેશની અદાલતોમાં થયેલા બોમ્બ વિસફોટનો મુખ્ય આરોપી હતો. આ ધમાકાઓમાં કુલ ૧૬૫ લોકોનો ભોગ લેવાયો હતો અને ૫૩૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એ સમયે આરિજ ખાનના માથે ૧૫ લાખનું ઇનામ જાહેર કરતા ઇન્ટરપોલ દ્વારા તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરાઇ હતી. આઝમગઢના રહેવાસી આરિજ ખાનની સ્પેશ્યલ સેલની ટીમે ફેબ્રુઆરી ૨૦૧૮માં ધરપકડ કરી હતી.