ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે ધીરૂભાઇ ધામેલીયાની કરાયેલી વરણી
ભાવનગર મહપાલિકાની યોજાયેલી ચૂંટણી બાદ ભાજપનો ૪૪ બેઠકો સાથે ઐતીહાસિક વિજય થયા બાદ આજે પ્રથમ સાધારણ સભા કમિશ્નર ગાંધીના અધ્યક્ષ સ્થાને મેયર પદની ચૂંટણી માટે મળી હતી જેમાં એકમાત્ર કિર્તીબેન દાણીધારીયાનું ફોર્મ ભરાતા તેમની સર્વાનુમત્તે મેયર પદે ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
ભાવનગર મહાપાલિકાની પ્રથમ સાધારણ સભા આજે કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મેયરની ચૂંટણી માટે પ્રિસાઇન્ડીંગ ઓફીસર તરીકે ડેપ્યુટી કમિશ્નર દિલીપસિંહ ગોહિલની નિમણૂક કરાયેલ જેમાં મેયર પદ માટેના ફોર્મ ભરવાના સમય દરમિયાન ભાજપ તરફથી કિર્તીબેન દાણીધારીયાનું ફોર્મ ભરાયું હતું. જેમાં ભાજપના સિનીયર નગરસેવક યુવરાજસિંહ ગોહિલની વિનંતીને માન આપી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરવામાં ન આવતા એકમાત્ર ફોર્મ ભરાયું હોય કિર્તીબેન દાણીધારીયાને મેયર પદે બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ત્યારબાદ તેમણે મેયર પદનો ચાર્જ સંભાળી અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું અને ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમના અધ્યક્ષ સ્થાને કરાઇ હતી જેમાં ડેપ્યુટી મેયર પદે ભાજપ તરફથી કુમારશાહના નામનું ફોર્મ ભર્યું હતું તેમાં પણ કોંગ્રેસે ઉમેદવારી ન નોંધાવતા ડેપ્યુટી મેયર પદે પણ કુમાર શાહ બિન હરિફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ત્યાર બાદ સ્ટેન્ડીંગ કમિટી માટે ૧૨ સભ્યોના નામની યુવરાજસિંહ ગોહિલે રાજુભાઇ રાબડીયાના ટેકાથી દરખાસ્ત કરેલ જેને સર્વાનુમત્તે મંજુર રખાતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે ધીરૂભાઇ ધામેલીયાની નિમણૂંક કરાયેલ અને સભ્ય પદે પંકજસિંહ ગોહિલ, કુલદિપ ભાઇ પંડ્યા, નરેશભાઇ ચાવડા, દિલીપભાઇ જોબનપુત્રા, ભરતભાઇ ચુડાસમા, વિલાસબેન રાઠોડ, યોગિતાબેન ત્રિવેદી, ભાવનાબેન સોનાણી, ભારતીબેન બારૈયા, નિતાબેન બારૈયા તથા શારદાબેન મકવાણાની વરણી કરવામાં આવી હતી. આમ, મેયર, ડે. મેયર અને ચેરમેનની નિમણૂંક થયા બાદ તમામે ચાર્જ સંભાળ્યો હતો. ભાજપના નેતા પદે બુધાભાઇ ગોહેલ અને દંડક તરીકે પંકજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે તમામ સભ્યો તથા કમિશ્નર સહિત મહાપાલિકાના સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી અને સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી