(સં. સ.સે.)નવી દિલ્હી,તા.૧૧
પેટ્રોલ ડીઝલ ભાવ છેલ્લા ૧૦ ૧૨ દિવસથી સ્થિર થયા છે પણ સામાન્ય પ્રજાને આ ઊંચી કિંમતોના કારણે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી આ ભાવમાં રાહત આપવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. નાણામંત્રી સિતારમણ અને પેટ્રોલિયમ મંત્રીએ વધતી કિંમતો પર ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો આવે તે માટે વારંવાર ઘણા નેતાઑ તથા સંસ્થાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈંધણને જીએસટી હેઠળ લાવી દેવું જોઈએ. જોકે કહેવામાં આવી રહ્યું હતું કે જીએસટી કાઉન્સિલમાં આ મુદ્દે સહમતી થતી નથી જેથી આ નિર્ણય લઈ શકાતો નથી. પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવા સામે રાજ્યો દ્વારા જ વિરોધ કરવામાં આવતો હતો કારણ કે તેનાથી રેવન્યુમાં ઘટાડો થઈ જવાનો ભય છે. પરંતુ હવે રાજ્યો સામે ચાલીને કહી રહ્યા છે કે ઈંધણને જીએસટીમાં લઈ આવો. દિલ્હી અને મહારાષ્ટ્ર આ કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીની વિધાનસભામાં કહ્યું છે કે સીએમ કેજરીવાલ પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે માંગ કરી ચૂક્યા છે.
સત્યેન્દ્ર જૈને કહ્યું કે અમે બધા જ કેન્દ્ર સરકાર સાથે મુલાકાત કરવા તૈયાર છે. દિલ્હીની સાથે સાથે દેશના મોટા રાજ્યોમાં આવતા મહારાષ્ટ્રે પણ આ મુદ્દે મોટું એલાન કર્યું છે. મહારાષ્ટ્રએ પણ ઈંધણને જીએસટીમાં લાવી દેવા માટે માંગ કરી નાખી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું કે જૉ પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં આવે તો રાજ્યોની સાથે સાથે કેન્દ્રને પણ ફાયદો થશે. તેમણે ભરોસો અપાવ્યો કે જૉ કેન્દ્ર સરકાર આ નિર્ણય કરે છે મહારાષ્ટ્ર સરકાર પૂરો સમર્થન આપશે. જોકે મહત્વની વાત છે કે કેન્દ્રને હજુ સુધી કોઈ જ પ્રસ્તાવ આવ્યો નથી. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે હજુ સુધી સરકાર પાસે આવો કોઈ જ પ્રસ્તાવ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવું હોય તો પહેલા જીએસટી કાઉન્સિલના પ્રસ્તાવની જરૂર છે, પણ હજુ સુધી એવું થયું નથી.