(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૧
આવતીકાલે એટલે કે, ૧૨ માર્ચના રોજ દાંડીયાત્રા દિવસની ઉજવણી થવાની છે. વડાપ્રધાન મોદી પણ અમદાવાદ ખાતે આવશે અને ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ લેશે. ભારતની આઝાદીના ૭૫માં વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ આવતીકાલે સાબમતી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. પીએમ મોદી કાલે સવારે અમદાવાદ આવશે અને ૧૦ વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. આ જ દિવસે રાજ્યના ૩૩ જિલ્લામાં મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. મુખ્ય કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે સીએમ રૂપાણી ઉપસ્થિત રહેશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટ, ભાજપ પ્રમુખ સી.આર પાટીલ નવસારી, સુરતના કાર્યક્રમોમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. અમદાવાદના સાબરમતી આશ્રમમાં ૧૨મી માર્ચે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. તે સમયે કેન્દ્રના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આવશે. દાંડી યાત્રાના ૯૧ વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર ખૂદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. જે માટે આજે એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝીટના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીંયા તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે ત્યાર બાદ હૃદય કુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડી બ્રિજ તરફ જશે. આ દરમિયાન ટ્રાફિકમાં અડચણ ન રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક રૂટ ઉપર ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ બહાર પાડેલા જાહેરનામા મુજબ આવતીકાલે સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે ૭થી બપોરે ૩ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે આરટીઓ સર્કલથી રાણીપ થઈને નવાવાડજ પોલીસ ચોકી થઈ અને વાડજ સર્કલ તરફ જઈ શકશે. જયારે સવારે ૧૧ વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી એનઆઇડી રોડ સંપૂર્ણપણે તથા જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
મળતી માહિતી પ્રમાણે પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે અને રોડ ખુલ્લા કરવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ અને આશ્રમ રોડ તરફ જવા માટે વાડજ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી જઈ શકાશે. જમાલપુર તરફ જવા માટે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન, ખમાસા અને આસ્ટોડિયા થઈ જમાલપુર જઈ શકાશે. જ્યારે ગીતા મંદિરથી મજૂરગામ થઈ ભુલાભાઈ પાર્ક, શાહઆલમ થઈ અને દાણીલીમડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.