સિહોર,તા.૧૪
શિહોર તાલુકાના ટાણા ગામે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ખેડુત અગ્રણીઓની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનો મુખ્ય ચહેરો રાકેશ ટીકૈતજી તેમજ સંયુક્ત કિસાન મોરચાના મુખ્ય અગ્રણીઓની ભાવનગર જિલ્લામાં કિસાન મહા પંચાયત ગોઠવવા બાબત રણનીતિ ઘડવામાં આવી. આ બેઠકમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડુત એકતા મંચ, કિસાન એકતા સમિતિ સહિત તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જિલ્લા માટે તમામ સંગઠનના પ્રતિનિધિઓની એક સંકલન સમિતિની રચના કરવામાં આવી, અને તાલુકા સમિતીઓની રચના કરવામાં આવી, આવનારા દિવસોમાં વ્યુહાત્મક કામગીરી હાથ ધરી ગામે ગામ ખેડુતોની વેદના અને વ્યથાને વાચા આપવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી અને દરેક ગામડે ખેડુતો સાથે બેઠકોનો દોર શરૂ કરવા ખાસ રણનીતિ ઘડવામાં આવી. આવનારા દિવસોમાં હજારો ખેડુતોની હાજરીમાં ભાવનગર જિલ્લામાં કિસાન મહા પંચાયતનું આયોજન કરવા માટે નિર્ણય લેવાયો અને દરેક અગ્રણીઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી. તેમજ આગામી દિવસોમાં તળાજા, મહુવા અને વલભીપુર ખાતે સંકલન સમિતિની બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે. આજની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનના ડી. કે. રાણા અને ફુલસિંહ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં રાકેશ ટીકૈતજીના આગમનથી એક નવી ક્રાંતિના મંડાણ થશે એવું કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ મહામંત્રીની યાદીમાં જણાવાયું છે.