(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૪
૨૦૨૧ના સૌથી વધુ કોરોના કેસનો વધુ એક રેકોર્ડ શનિવારે તૂટ્યો છે, જેમાં ૨૫,૦૦૦ કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે. આ સાથે ૨૪ કલાકમાં ૧૬૦ કરતા વધારે કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે પાછલા કેટલાક અઠવાડિયાઓથી નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેવાથી એક્ટિવ કેસનો આંકડો ૨ લાખ ૧૦ હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાના કેસ કાબૂમાં લાવવા માટે મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કડક પગલા ભરવાનું શરુ કરવામાં આવ્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫,૩૨૦ કેસ નોંધાયા છે અને ૧૬,૬૩૭ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. નવા કેસમાં સતત વધારો થતા ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગઈ છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૦૯,૮૯,૮૯૭ થઈ ગઈ છે. દેશમાં ૧૦૦ની નીચે મૃત્યુઆંક ગયા પછી ફરી નવા કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ ઊંચો જઈ રહ્યો છે, પાછલા ૨૪ કલાકમાં વધુ ૧૬૧ દર્દીઓએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે.ભારતમાં ફેબ્રુઆરી પછી સતત નવા કેસની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે, આવામાં એક્ટિવ કેસનો આંકડો વધીને ૨,૧૦,૫૪૪ પર પહોંચી ગયો છે. એક સમયે ફેબ્રુઆરીમાં એક્ટિવ કેસ ૧ લાખની અંદર પહોંચવાની તૈયારીમાં હતા જે સ્થિતિ આજે એકદમ બદલાઈ ગઈ છે.આઇસીએમઆર મુજબ ભારતમાં ૧૩ માર્ચ સુધીમાં ૨૨,૬૭,૦૩,૬૪૧ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી શનિવારે ૮,૬૪,૩૬૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં ૨,૯૭,૩૮,૪૦૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસ સામે લડવા માટે રસી અભિયાનની શરુઆત કરવામાં આવી હતી, જેમાં સૌથી પહેલા મેડિકલ સ્ટાફ અને તે પછી ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ અને હવે ૬૦ વર્ષથી ઉપરના નાગરિકો અને જેઓ ગંભીર બીમારીથી પીડાય છે અને તેમની ઉંમર ૪૫ વર્ષ કરતા વધુ છે તેમને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. રસીના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે જેમાં હાલ મેડિકલ સ્ટાફને રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
દેશના કુલ કોરોનાના એક્ટિવ કેસમાંથી ૧,૧૯,૭૭૧ એક્ટિવ કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે, જ્યાં કોરોનાની સ્થિતિ વધારે ગંભીર થઈ રહી છે. વધતા કેસને કાબૂમાં લાવવા માટે રાજ્યના કેટલાક ભાગોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે આ સાથે કેટલાક કન્ટેન્મેન્ટ ઝોનમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.