(સંપૂર્ણ સ. સે.) નવી દિલ્હી, તા. ૧૫
પાછલા ઘણાં દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે સ્થિતિ પાછલા વર્ષ જેટલી ખરાબ થવા લાગી છે. પાછલા એક અઠવાડિયામાં ડિસેમ્બરના મધ્ય પછી સૌથી વધી દર્દીઓ નોંધાયા છે. એક અઠવાડિયા કરતા પહેલાની સરખામણીમાં આંકડામાં ૩૩%નો વધારો થયો છે. વાયરસના કારણે મરનારાની સંખ્યામાં ૬ અઠવાડિયામાં સૌથી વધુ ૨૮% કરતા વધારો થયો છે. ટકાવારીની વાત કરીએ તો જુલાઈ પછી સૌથી વધુ છે.
આ અઠવાડિયામાં ૧.૫૬ લાખ નવા દર્દીઓ નોંધાયા છે, જે ૧૪-૨૦ ડિસેમ્બરમાં ૧૨ અઠવાડિયાના સૌથી વધુ કેસ છે. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર આવવાની સાથે ચાર અઠવાડિયામાં કેસ બમણા થયા છે. રવિવારે દેશમાં ૨૬,૩૮૬ નવા કેસ નોંધાયા છે, જે ૧૯ ડિસેમ્બર પછી ૮૫ દિવસના સૌથી વધુ કેસ છે. એક અઠવાડિયામાં આવનારા કેસમાં સૌથી વધારે ઘટાડો પાછલા વર્ષે ૮-૧૪ જૂન પછી ૮-૧૪ ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો, જ્યારે ૭૭ હજાર કરતા થોડા વધારે કેસ સામે આવ્યા હતા. આ પછી ધીરે-ધીરે કેસ વધતા જઈ રહ્યા છે. વાયરસના કારણે મૃત્યુના કેસ પણ એક અઠવાડિયામાં વધ્યા છે, પરંતુ કેસ મૃત્યુદર ઓછો છે. ૨૫-૩૧ જાન્યુઆરી વચ્ચે ૯૭૫ લોકોના મોત થયા હતા, જે બાદ આ અઠવાડિયામાં સૌથી વધુ ૮૭૬ લોકોના મોત થયા છે.સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ભારત દુનિયામાં ત્રીજા નંબર પર છે. અમેરિકા પર કોરોનાનો સૌથી મોટો હુમલો થયો છે અને અહીં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે આ પછી બીજા નંબર પર બ્રાઝિલ છે.
એમેઝોન વિસ્તારમાં નવો વેરિયન્ટ મળ્યા બાદ બ્રાઝિલમાં પોઝિટિવ કેસ ઝડપથી વધી ગયા છે, જેના કારણે તે ભારતની આગળ નીકળી ગયું છે. દેશના રાજ્યોની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, અહીં રવિવારે ૧૬,૬૨૦ નવા કેસ નોંધાયા હતા, જે ૩૦ ડિસેમ્બર પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જોકે, દર્દીઓની સંખ્યા વધ્યા બાદ વેક્સિનેશન દરરોજ એક નવી આશા લઈને આવે છે. લોકોને વેક્સીન આપવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને શુક્રવારે દેશમાં ૨૦.૫૩ લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવી, જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ છે. જેમાં ૩.૩ લાખ સૌથી વધુ ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા. ટકાવારીમાં જોઈએ તો ૭૪% ડોઝ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, કેરળ અને કર્ણાટકમાં આપવામાં આવ્યા છે.