ભાવનગર જિ.પં.ની પ્રથમ સાધારણ સભા આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મળી હતી જેમાં ગઇકાલે ભાજપમાંથી ઉમેદવારી કરનાર ભરતસિંહ ગોહિલ પ્રમુખ પદે અને ઘનશ્યામભાઇ સિહોરા ઉપપ્રમુખ તરીકે બહુમતિથી ચૂંટાઇ આવ્યા હતા જેમને તમામ સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આજરોજ ભાવનગર જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભા મળી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો મુખ્ય એજન્ડા હોય ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગમારા, સહીતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ ૪૦ સભ્યો પૈકીના કોંગ્રેસના બે સભ્યો ગેર હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં ૩૮ સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે એકમાત્ર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલી મહિલા સદસ્યોએ ભાગ લીધો ન હતો.
આ ચૂંટણીમાં ભાજપના પ્રમુખના ઉમેદવાર ભરતસિંહ ગોહિલની તરફેણમાં ૩૧ મત જ્યારે કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર કામળીયા મનુભાઇની તરફેણમાં છ મત મળતા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ગોહિલ બહુમતિથી પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઇ સિહોરાને પણ ૩૧ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉપપ્રમુખના ઉમેદવાર જીતેન્દ્રભાઇ પનોતને છ મત મળતા ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઇ સિહોરા બહુમતિથી ચૂંટાઇ આવ્યા હતા.
ભાવનગર જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકો પૈકી ભાજપને ૩૧, કોંગ્રેસને ૮ અને ૧ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાયેલા છે. આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના તમામ સદસ્યો ૩૧ હાજર રહ્યા હતા. અને તમામે ભાજપ તરફેણમાં મતદાન કર્યું હતુું.
જ્યારે કોંગ્રેસ પક્ષના આઠ પૈકી ર સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેમાં ખાસ કરીને પ્રમુખ પદ માટે જેમણે ઉમેદવારી નોંધાવી હતી તેવા કોંગ્રેસના સદસ્ય કામળીયા મનુભાઇ પણ ગેરહાજર જણાયા હતા.