(સં. સ. સે.) અમદાવાદ, તા. ૧૮
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. રાત્રિ કર્ફ્યુ અને સુરત અમદાવાદમાં બસો બંધ કર્યા બાદ આજે રાજ્ય સરકારે શિક્ષણને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનાના વધતા ફેલાવા વચ્ચે આજથી પરીક્ષાઓ શરુ થઇ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં હતા. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે આવતીકાલથી રાજ્યના આઠ મહાનગરોમાં શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે. હવે આ આઠેય મહાનગરોની શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. આઠ મહાનગરો સિવાયના રાજ્યના અન્ય જિલ્લાઓ અને વિસ્તારોની અંદર ઓનલાઇન અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરુ રહેશે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢની અંદર શાળા અને કોલેજોનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આ સાથે જ યુનિવર્સિટીઓ અને કોલેજોની જે ઓફલાઇન પરીક્ષા લેવાની હતી તે પણ ૧૦ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
આ પરીક્ષાઓ માટે હવે નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે. આ નિર્ણય સરકારી અને ખાનગી સંસ્થાઓને લાગુ પડે છે. ઉલ્લેખનીય છે કે આજથી બરાબર એક વર્ષ પહેલા આવા જ સમયે રાજ્યમાં શૌક્ષણિક કાર્ય બંધ કરાવામાં આવ્યું હતું. ત્યારે એક વર્ષ બાદ ફરીથી શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો ૧૦ એપ્રિલ સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) ૧૦ એપ્રિલ સુધી તમામ સ્કૂલો ૧૯ માર્ચથી ૧૦ એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ ૬થી ૧૨ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી ૧૦ એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. ૧૦ એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.
સીએમ રુપાણીએ ગુરુવારે જ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સ્કૂલો અને કોલેજો ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય સરકાર દ્વારા આજે જ લેવામાં આવશે. હવે સ્કૂલો ૧૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ વખતે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે તેમને ગયા વર્ષની માફક ફરી માસ પ્રમોશન અપાશે તે અટકળો પણ શરુ થઈ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન કરવાની તૈયારી શરુ કરી દેવાઈ છે. કોરોનાને કારણે આ વખતે વિદ્યાર્થીઓ લગભગ આખું વર્ષ સ્કૂલમાં યોગ્ય રીતે ભણી નથી શક્યા. આ વર્ષે બોર્ડની પરીક્ષા પણ છેક મે મહિનામાં યોજાવાની છે. જોકે, એપ્રિલ બાદ પણ સ્થિતિ સામાન્ય બનશે કે કેમ તે અંગે કોઈ કશુંય કહી શકે તેમ નથી. હાલ રાજ્યમાં અમદાવાદ અને સુરત અડધોઅડધ કેસો નોંધાઈ રહ્યા છે. સુરતમાં તો કોર્પોરેશને બે દિવસ પહેલા ટ્યૂશન ક્લાસ પણ બંધ કરાવી દીધા હતા.
કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં લોકડાઉન ફરી આવશે કે કેમ તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. જોકે, સીએમ રુપાણીએ આ અંગે આજે સવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવાનો કોઈ વિચાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત હજુ ગયા વર્ષે જ આનાથી પણ વધુ ગંભીર સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે અને તે વખતે પણ લોકડાઉન નહોતું નાખવામાં આવ્યું.
માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોરોનાનો સેકન્ડ વેવ શરુ થયો હોય તેમ છેલ્લા ૧૫ દિવસથી નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી ગંભીર છે. કર્ણાટકમાં પણ સ્થિતિ વિકટ બની રહી છે, અને સીએમ યેદિયુરપ્પાએ લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો લોકડાઉન ફરી ના લાવવું હોય તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો.