દેશમાં કોરોનાએ ગતિ પકડીઃ ૨૪ કલાકમાં ૩૫ હજાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

777

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૮
દેશમાં કોરોના વાઈરસની સ્થિતિ ધીમે-ધીમે બગડી રહી છે. દેશમાં આ વર્ષે પહેલીવાર કોરોના વાઈરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં આજે પહેલીવાર કોરોનાના ૩૫ હજારથી વધારે કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૮૭૧ નવા કેસો સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં ૧૭૨ લોકોના મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોનાનો આંકડો વધીને ૧.૧૪ કરોડને પાર થયો છે.
આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં કુલ ૧,૧૪,૭૪,૬૦૫ કેસ સામે આવી ચુક્યાં છે. જોકે તેમાં ૧,૧૦,૬૩,૦૨૫ લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસો પણ સતત વધી રહ્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસો વધીને ૨,૫૨,૩૬૪ થયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧,૫૯,૨૧૬ લોકોના મોત થઈ ચુક્યાં છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના એક્ટિવ કેસ વધીને અઢી લાખને પાર થઈ ચુક્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૭,૯૫૮ એક્ટિવ કેસ વધ્યા છે. તેનાથી એક્ટિવ કેસનો દર વધીને ૨.૨૦% થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૭૪૧ લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. તેનાથી રિકવરી રેટ વધીને ૯૬.૪૧% થયો છે. ભારતમાં કોરોના મૃત્યું દર હાલ ૧.૩૯% થયો છે.
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર અનેક રાજ્યોમાં સખ્તી લાગૂ કરવામાં આવી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવા જેવા સખ્ત પગલાં ભરવાં પડ્યાં છે. ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની સ્થિતિ હજુ પણ સૌથી ખરાબ છે. અહીં કુલ કેસમાંથી ૬૪% કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૨૩,૧૭૯ નવા કેસ નોંધાયા છે. અહીં ૬ મહિના પછી આટલા બધા કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આ પહેલા ૧૭ સપ્ટેમ્બરે રાજ્યમાં ૨૪,૬૧૯ કેસ નોંધાયા હતા, મહારાષ્ટ્રમાં મંગળવારની સરખામણીમાં બુધવારે ૩૦% વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો ૨૩,૭૦,૫૦૭ પર પહોંચ્યો છે. ૧થી ૧૭ માર્ચ દરમિયાન ૪ વખત જૂના કેસોના રેકોર્ડ તૂટ્યા છે.
દેશમાં કુલ ૩,૭૧,૪૩,૨૫૫ લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. ભારતમાં ૧ માર્ચ, ૨૦૨૧થી કોરોના વેક્સીનેશન અભિયાન રાઉન્ડ-૨ની શરૂઆત થઈ હતી. જે હેઠળ ૬૦ વર્ષની ઉપરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો જે કોઈ ગંભીર બિમારીથી પીડિતછે તેમનુ રસીકરણ કરવામા આવી રહ્યુ છે. આ પહેલા દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી કોરોના રસીકરણ અભિયાનના પહેલા રાઉન્ડની શરૂઆત થઈ હતી. જેમાં હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી હતી.

Previous articleવર્ષમાં બધા ટોલ પ્લાઝા કાઢી નખાશે, રસ્તાના વપરાશ મુજબ ટોલ લેવાશે
Next articleઅફઘાનિસ્તાનમાં સ્પેશિયલ ફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, ૯ લોકોનાં મોત