કોરોના સંક્રમણ વધતા પોઝિટિવ કેસોમાં આવેલા ઉછાળાના કારણે આ મહામારીથી વિદ્યાર્થીઓને રક્ષીત કરવા સરકાર દ્વારા ફરી શહેરી વિસ્તારની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડયો છે અને ફરી ઓનલાઇન શિક્ષણ માટે કાર્યક્રમ આપ્યો છે. ભાવનગર શહેરની ધો.૧ થી ૧૨ની સરકારી, ખાનગી અને અનુદાનિત તમામ શાળાઓ માટે પણ આ નિયમ અમલી કરાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ રાબેતા મુજબ સંમતિ સાથે શરૂ રખાઇ હતી.
હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને તકેદારીના પગલારૂપે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ આઠ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢમાં આવેલ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ અનુસાર તા.૧૯-૩ થી તા.૨૭-૩ દરમિયાન માત્ર ઓનલાઇન લેવાની રહેશે. આ માટે શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રોની સોફ્ટકોપી મોકલી આપવાની રહેશે. વિદ્યાર્થીઓએ લખેલા જવાબોની સોફ્ટકોપી અથવા હાર્ડકોપી શાળામાં મોકલી આપવાની રહેશે.
આઠ મહાનગરપાલિકા સિવાયના તમામ વિસ્તારોમાં આવેલી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ અનુસાર તા.૧૯-૩ થી ૨૭-૩ દરમિયાન ઓફલાઇન લેવાશે.
જ્યારે શહેરી વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ ધો.૬ થી ૮ના શરૂ થયેલ વર્ગો ૧૦ એપ્રિલ સુધી બંધ રાખવા હાલ નિર્ણય કરાયો છે. જ્યારે તાલુકા મથકોએ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ યથાવત રીતે શરૂ રખાશે અને જ્યાં પરીક્ષા શરૂ હશે ત્યાં પરીક્ષા ભૌતિક રીતે લેવાશે. જ્યારે શહેરી વિસ્તારમાં આ સત્રાંત પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. જ્યારે ધો.૯ થી ૧૨ સુધીની પ્રારંભિક પરીક્ષા પણ ઓફલાઇનના સ્થાને ઓનલાઇન લેવાનો નિર્ણય કરાયો છે. આમ છેલ્લી ઘડીએ થયેલ ફેરફારોથી વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં મુકાઇ ગયા હતાં.