વીમા ક્ષેત્રે FDIવધારીને ૭૪% કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ

283

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
રાજ્યસભાએ વીમા ક્ષેત્રે સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) વધારીને ૭૪ ટકા સુધીનું કરવાની જોગવાઇ ધરાવતા ખરડાને બહાલી આપી હતી.
કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતના વીમા ક્ષેત્રે વિદેશી કંપનીઓનો હિસ્સો વધશે, પરંતુ તેઓના મોટા ભાગના ડિરેક્ટર અને મૅનૅજમૅન્ટમાંની મહત્ત્વની વ્યક્તિઓ ભારતીય જ રાખવી પડશે.
તેમણે આ ખરડા પરની ચર્ચા દરમિયાન જવાબમાં જણાવ્યું હતું કે દેશના કાયદા કડક છે અને કોઇ વિદેશી કંપનીઓ દેશમાંથી નાણાં મોટા પાયે બહાર ખેંચીને લઇ જઇ નહિ શકે.
નિર્મલા સીતારમણે વધુ સ્પષ્ટતા કરી હતી કે દેશમાંની વીમા ક્ષેત્રની કંપનીઓ પ્રવાહિતાની ખેંચ અનુભવી રહી છે અને સીધા વિદેશી રોકાણમાં વધારો કરવાથી તેઓની મૂડીની જરૂરિયાત સંતોષાશે.
તેમણે જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રે ‘નિયંત્રણ’ની વ્યાખ્યામાં સુધારો કરાયો છે. દેશની વીમા કંપનીઓમાં વિદેશી કંપનીઓનો હિસ્સો વધારવામાં આવ્યો હોવા છતાં મૅનૅજમૅન્ટના મહત્ત્વના હોદ્દા પર ભારતીયો જ રાખવા પડશે.
નિર્મલા સીતારમણે વીમા (સુધારા) ખરડા, ૨૦૨૧ પરની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં વીમા ક્ષેત્રે સીધું વિદેશી રોકાણ ૨૦૧૫માં ૨૪ ટકાથી વધારીને ૪૯ ટકા કરાયું તે પછી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૨૬,૦૦૦ કરોડનું સીધું વિદેશી રોકાણ કરાયું હતું.

Previous articleમુંબઈમાં મોલમાં પ્રવેશવા માટે હવે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત
Next articleમનપામાં સામેલ થયાના પાંચ વર્ષ બાદ પણ સીદસર ગામમાં પ્રાથમિક સુવિધા ના મળતા મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો