ન્યુ દિલ્હી,તા.૨૧
અચંતા શરથ કમલ તથા મનિકા બત્રાની ભારતીય જોડીએ એશિયન ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટની ફાઇનલ જીતીને ટોક્યો ઓલિમ્પિકમાં મિક્સ ડબલ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. કમલ અને મનિકાએ બે ગેમ હાર્યા બાદ વળતો પ્રહાર કરીને કોરિયાના લી સંગસૂ અને જિયોન જેહેની જોડીને ૪-૨ (૮-૧૧, ૬-૧૧, ૧૧-૫, ૧૧-૬, ૧૩-૧૧, ૧૧-૮)થી હરાવીને મેજર અપસેટ સર્જવા ઉપરાંત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું હતું. ભારતીય જોડીએ શુક્રવારે સેમિફાઇનલમાં સિંગાપોરના કોન પેંગ યૂ અને લિન યેની જોડીને ૪-૨થી પરાજય આપ્યો હતો. શરથ કમલ અને મનિકા બંને અગાઉથી જ સિંગલ્સ માટે પણ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. ભારતે ઓલિમ્પિકની સિંગલ્સની ઇવેન્ટમાં ચાર કોટા હાંસલ કરી લીધા છે. આ બંને ઉપરાંત જી. સાથિયાન તથા મહિલા ખેલાડી સુતીર્થા મુખરજી પણ ઓલિમ્પિકની ટિકિટ મેળવી ચૂક્યા છે. ટોક્યો ઓલિમ્પિક કમલની કારકિર્દીમાં ચોથી અને બાકીના ત્રણ ખેલાડી પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે. ફાઇનલની શરૂઆતમાં કમલ અને મનિકાને કપરા પડકારનો સામનો કરવો પડયો હતો પરંતુ ત્યારબાદ બંનેએ રિધમ હાંસલ કરીને હરીફ જોડી માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. છઠ્ઠી ગેમમાં ભારતીય જોડીએ મેચ અને ઓલિમ્પિકની ટિકિટ પોતાના નામે કરી લીધી હતી. સાથિયાને બે વિજય સાથે સાઉથ એશિયા ગ્રૂપમાં ટોચના સ્થાને રહીને ક્વોલિફાય કર્યુ હતું. બીજી તરફ કમલે પાંચ ગ્રૂપમાં બીજા સ્થાને રહીને ઓલિમ્પિકની ટિકિટ મેળવી હતી.