કોરોના બેકાબૂઃ દેશમાં એક્ટિવ કેસ ૩ લાખને પાર

226

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર ગયો છે. પાછલા ૨૪ કલાકમાં મૃત્યુઆંક ૨૦૦ની નજીક પહોંચ્યો. જ્યારે સતત નવા કેસની સંખ્યા વધવાના કારણે એક્ટિવ કેસનો આંકડો આખરે ફરી ૩ લાખને પાર થઈ ગયો છે. સતત નવા કેસ અને મૃત્યુઆંક વધવાના કારણે પાછલા વર્ષે જે રીતે કોરોનાના કેસ વધતા હતા તેના કરતા ઝડપથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં જ ૯૦ કરતા વધુ લોકોએ એક જ દિવસમાં કોરોના સામે દમ તોડ્યો છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસોનો આંકડો ફરીથી ૩ લાખની પાર પહોંચ્યો છે. આજે નોંધાયેલા કોરોના કેસોનો આંકડો આ વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. ભારતમાં અત્યાર સુધી ૪,૪૬,૦૩,૮૪૧ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૪૩,૮૪૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨,૯૫૬ દર્દીઓ સાજા થયા છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૫,૯૯,૧૩૦ પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ ૧,૧૧,૩૦,૨૮૮ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.
ફેબ્રુઆરી બાદ નવા કેસની સંખ્યામાં સતત વધારો થવાની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેવાના લીધે દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૩ લાખને પાર કરીને ૩,૦૯,૦૮૭ પર પહોંચી ગયો છે. એક સમય આ આંકડો એક લાખની અંદર પહોંચવાની તૈયારીમાં હતો જોકે, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, દિલ્હી સહિતના રાજ્યોમાં નવા કેસની સંખ્યા વધવાથી એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
પાછલા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૧૯૭ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે, જેની સાથે દેશનો કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૯.૭૫૫ થઈ ગયો છે. ભારતમાં નોંધાતા નવા કેસનો આંકડો ૧૧૫ દિવસ પછી નવો રેકોર્ડ તોડ્યો છે. ૨૪ કલાકમાં નોંધાયેલા ૧૯૭ મૃત્યુઆંક સાથે ૯૭ દિવસ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં ૨૪ કલાકમાં ૧૩,૪૪૬ નવા કેસ નોંધાયા છે, અને વધુ ૯૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.ભારતમાં અત્યાર સુધીમાં ૪,૪૬,૦૩,૮૪૧ લોકોને કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે.
હાલ દેશમાં ૪૫ વર્ષથી વધુની ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા અને ૬૦ વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ૈંઝ્રસ્ઇ મુજબ ૨૩,૩૫,૬૫,૧૧૯ લોકોના કોરોના ટેસ્ટ માટે ૨૦ માર્ચ સુધીમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૧,૩૩,૬૦૨ લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારમાં ટૂરિઝ્‌મ અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે કોરોના સંક્રમિત થઈ ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ શનિવારે સાંજે ટ્‌વીટ કરી જણાવ્યું કે કોવિડના કેટલાક લક્ષણ દેખાવા પર મેં મારો ટેસ્ટ કરાવ્યો હતો, આજે તેનો રિપોર્ટ આવ્યો છે. હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છું, મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરું છું.

Previous articleરાજ્યમાં હોળી દહનને છૂટ, રંગોત્સવ પર પ્રતિબંધઃ પટેલ
Next articleલોકસભા સ્પીકર ઓમ બિરલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો