લોકસભા સ્પીકર ઓમ બિરલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

176

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૨૧
લોકસભા સ્પીકર ઓમ બિરલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. ઓમ બિરલાએ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી પોતે ટ્‌વીટ કરીને આપી છે. ઓમ બિરલાએ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાની તપાસ કરાવવા માટે કહ્યું છે. નોંધનીય છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી ઓમ બિરલા દિલ્હી એઇમ્સમાં સારવાર લઈ રહ્યા છે. મળતી જાણકારી મુજબ, લોકસભા સ્પીકર ઓમ બિરલાની તબિયત થોડાક સમયથી ખરાબ હતી. તેમનો જ્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ૨૦ માર્ચે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં વરિષ્ઠ ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી એઇમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, લોકસભા સ્પીકર ૧૯ માર્ચે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમને ૨૦ માર્ચે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓમ બિરલાની હાલત હાલ સ્થિર છે અને તમામ પેરામિટર્સ નોર્મલ છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે પણ શનિવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આદિત્ય ઠાકરેએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણ અનુભવાતા મેં રિપોર્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો છે. હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાની તપાસ કરાવી લે અને કોરોનાના દરેક નિયમનું પાલન કરે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં હાલના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં હવે રોજ કોરોનાના નવા કેસ હવે ૨૫ હજારથી વધુ ઉપર પહોંચી ગયા છે.

Previous articleકોરોના બેકાબૂઃ દેશમાં એક્ટિવ કેસ ૩ લાખને પાર
Next articleદીદી પોતાના ભત્રીજાને સીએમ બનાવવા માંગે છે : અમિત શાહ