(સં. સ. સે.) કોલકતા,તા.૨૧
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ પર નિશાન સાધતા રવિવારે કહ્યું કે, રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઉદ્દેશ્ય ચૂંટણી જીતીને પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવવાનો છે જ્યારે બીજેપીનું લક્ષ્ય રાજ્યનું જૂનું ગૌરવ પરત લાવવું અને ‘સોનાર બાંગ્લા’નું નિર્માણ કરવાનું છે. અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, રાજ્યમાં બીજેપીની સરકાર રચાયા બાદ તેઓ રાજ્યના કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરશે, ઉપરાંત એવી નીતિ લાવશે જેથી રોજગાર માટે યુવાઓને બહાર જવાનું વલણ નહીં રાખવું પડે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આપે અનેક વર્ષો સુધી ડાબેરીઓની સરકારને ચૂંટી અને પછી તમે દીદીને સરકાર સોંપી. પરંતુ તેમાંથી કોઈએ બંગાળનું સારું નથી કર્યું. અહીં દરેક કામ માટે કટમની આપવી પડે છે, તોડબાજી થઈ રહી છે.
તેઓએ કહ્યું કે ડાબેરી શાસનથી કંટાળીને રાજ્યની જનતાએ ખૂબ જ આશાઓ સાથે તૃણમૂલ કૉંગ્રેસને પસંદ કરી હતી કારણ કે દીદીએ પરિવર્તનનો વાયદો કર્યો હતો. અમિત શાહે લોકોને પૂછ્યું કે શું છેલ્લા ૧૦ વર્ષમાં અહીં પરિવર્તન આવ્યું છે? તેઓએ કહ્યું કે, રાજ્યમાં ઘૂસણખોરી સતત ચાલુ જ છે. કોઈ ફેરફાર નથી આવ્યો. મમતા દીદી શું બંગાળને ઘૂસણખોરીથી મુક્તિ અપાવી શકે છે? નહીં અપાવી શકે. અમારી સરકાર બની તો અમે રાજ્યને ઘૂસણખોરોથી મુક્ત કરાવીશું. તેઓએ વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે એવી સરકાર લાવીશું, જેના કારણે બંગાળના યુવાઓએ બંગાળની બહાર રોજગાર માટે નહીં જવું પડે. આ જે તુષ્ટિકરણ અને ઘૂસણખોરી થઈ રહી છે, તેને પણ રોકવાનું કામ બીજેપીની સરકાર કરશે.