દેશમુખના ભાવિનો નિર્ણય ટૂંક સમયમાં, પરમબીરે લગાવેલા આરોપો ગંભીરઃ પવાર

256

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૧
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે રાજ્યના ગૃહમંત્રીને તત્કાળ અસરથી હટાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે સ્વિકાર્યું હતું કે, દેશમુખ પર ગંભીર આરોપ જરૂર લાગ્યા છે પરંતુ તેમના રાજીનામાને લઈને અંતિમ નિર્ણય તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ કરશે. સાથે એમ પણ કહ્યું હતુ કે, આ પ્રકરણથી સરકારની છબીને કોઈ નુંકશાન પહીં પહોંચે. શરદ પવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ પર વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વાઝેની ફરીથી પોલીસ્‌ ફોર્સમાં નિમણૂંક કરવાના પણ આરોપ લગાવ્યા હતાં. તેવી જ રીતે પરમબીર સિંહે સીએમ ઓફિસને લખેલા પત્રમાં તેમના હસ્તાક્ષર ના હોવાનું પણ જણાવીને આડકતરી રીતે પત્ર પર જ શંકા સેવી દીધી હતી.
શરદ પવારે આજે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પ્રકરણમાં સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. દેશમુખ પર લગાવવામાં આવેલા આરપોના કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. સિંહના આ પત્રમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે, આ પૈસા કોની પાસે ગયા. સાથે જ પત્ર પર પરમબિર સિંહના હસ્તાક્ષર પણ નથી.
પવારે કહ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂપિયાની વસુલી કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ સચિન વાઝેને પાછો પોલીસમાં લેવાને લઈને કહ્યું હતું કે, વાઝેને પાછો મુખ્યમંત્રી કે ગૃહમંત્રીએ નહીં પોલીસ કમિશ્નર પરમબીર સિંહે જ લીધો હતો.
શરદ પવારે કહ્યું હતું કે, મુખ્યમંત્રી પાસે નિર્ણય લેવાનો અધિકાર છે. પરમબીર સિંહે કમિશ્નર પદે રહેતા ગૃહમંત્રી પર આરોપ નહોતા લગાવ્યા. આ મામલે તપાસ બાદ જ મુખ્યમંત્રી કોઈ નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે, આ આરોપની સરકારની છબી પર કોઈ જ અસર નહીં પડે. જોકે સરકારને અસ્થિર કરવાના પ્રયાસ જરૂર હોઈ શકે છે. પવારે કહ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં અનિલ દેશમુખને લઈને જરૂર કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રી અને પાર્ટી નેતાઓ સાથે વાતચીત બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. પવારે આ કેસની જુલિયા રિબેરો પાસે તપાસ કરાવવાની માંગણી કરી છે. જુલિયા રિબેરો મહારાષ્ટ્રના જાણીતા અને સ્વચ્છ છબી ધરાવતા પોલીસ અધિકારી રહી ચુક્યા છે.

Previous articleસમેટાઈ રહેલી કોંગ્રેસનો ખજાનો હવે ખાલી થઈ ગયો છે : મોદી
Next articleમહાપાલિકાના બજેટ માટે બંધ બારણે કારોબારી શરૂ