વર્ષ ૨૦૨૧-૨૨નાં ભાવનગર મહાપાલિકાના સુચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરી અને મંજુર કરી સામાન્ય સભામાં મોકલવા માટે આજે મહાપાલિકાની કારોબારી બેઠક બંધ બારણે મળી હતી.જેમાં રિપોર્ટીંગ માટે પત્રકારોને પણ જવા દેવાયા ન હતા. આથી મહાપાલિકાનું આગામી બજેટ કેટલા કરોડનું અને કેટલી પુરાંત વાળું છે તે લોકો સમક્ષ હાલના તબક્કે રજુ કરી શક્યા નથી.
મહાપાલિકાની નવી ચૂંટાયેલી બોડીની તાજેતરમાં કારોબારી બેઠક બંધ બારણે મળી હતી જેનો એજન્ડા પણ જાહેર કરાયો ન હતો અને ૪૧ જેટલા ઠરાવો મંજુર કરી દેવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. આવી જ રીતે આજે ચેરમેન ધીરુભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાના વર્ષ ૨૦૨૧-૨૨ના સુચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચાઓ કરી મંજુર કરી સાધારણ સભામાં મોકલવા માટે કારોબારી સમિત્તિની બેઠક મળી હતી. પરંતુ આ બેઠક સભ્યો દ્વારા બંધ બારણે કરવામાં આવી હતી. આગામી બજેટ કેટલા કરોડનું છે અને કેટલી પુરાંત અને ખર્ચ છે તે અંગે પણ જણાવાયું ન હતું. ત્યારે લોકોમાં આ અંગે કચવાટ ફેલાવા પામ્યો છે.
તાજેતરની ચૂંટાયેલી નવી બોડીની પ્રથમ બજેટ બેઠકમાં કારોબારી સમિત્તિના બે-ત્રણ સભ્યો સિવાય અન્ય સભ્યોને બજેટ સમજાઇ તે પૂર્વે જ બેઠક યોજાઇ હોય તેઓ બજેટ અંગે કેવી ચર્ચા કરશે તેવા પણ સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. ખુલ્લી કારોબારી મળતી જે નવી બોડીએ હવે બંધ બારણે કરી નાખતા સભ્યોએ પોતે કરેલા વિકાસના કામોનાં સવાલોની શું ચર્ચા થઇ તે પણ લોકો જાણી શકશે નહીં. આમ, બંધ બારણે મળેલી કારોબારીની ભારે ટીકાઓ થઇ રહી છે.