દલિત આધેડની હત્યા પ્રકરણે પીએસઆઈની ધરપકડની માંગ સાથે આવેદન પત્ર અપાયું

410

થોડા દિવસ પૂર્વે ઘોઘા તાલુકાના સાણોદર ગામે દલિત આધેડની હત્યા પ્રકરણે ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડેડ ઘોઘાના પીએસઆઈની ધરપકડ કરવા બાબતે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના જુદા-જુદા સંગઠનના આગેવાનો અને વડનગર વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ભાવનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી. જો તાકીદે યોગ્ય કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ઘોઘાના સાણોદર ગામે ગત તા.ર-૩-ર૦ર૧ના રોજ આરટીઆઈ એકિટીવીસ્ટ અને દલિત સમાજના અમરાભાઈ ેબોરીચાની તેમના પોતાની માલિકીના ઘરમાં ઘુસી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અમરાભાઈ બોરીચા વર્ષ-ર૦૦૯થી પોતાના પર અત્યાચાર થાય છે તેવી ફરિયાદો કરેલ છે. તેમણે આજદિન સુધીમાં ૧૧ જેટલી ફરીયાદો કરી છે તેનો મતલબ તેમના પર અવાર-નવાર હુમલાઓ થયા છે. તેમજ તેમનુ મકાન પણ સળગાવી નખાયુ હતુ.
આ અગાઉ તેમણે છેલ્લી ફરિયાદ તેમની હત્યા કરી નખાશે તે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક અને જવાબદાર પીએસઆઈ અને તંત્રને વારંવાર રજુઆત કરી હતી અને પોલીસ રક્ષણની માંગ પણ કરી હતી. ઘોઘાના પીએસઆઈ સોલંકીને પણ લેખીત રજુઆતો કરી હતી પરંતુ પીએસઆઈએ તેમની સાથે ગેરવર્તન કરેલ હોય, તેમ પણ તેમની અરજીમાં ઉલ્લેખ છે. આ કેસમાં મુખ્ય જવાબદાર ઘોઘાના પીએસઆઈ સોલંકીએ અમરાભાઈ બોરીચાની ફરિયાદ લીધી હોત અને પગલા લીધા હોત તો અમરાભાઈની હત્યા થઈ ન હોત. જવાબદાર પીએસઆઈની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તે અંગેનુ એક વિસ્તૃત આવેદનપત્ર આજે ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની આગેવાની હેઠળ શહેરના જશોનાથ ચોકમાં દલિત સમાજના આગેવાનો, કાર્યકરોએ એકત્રીત થઈ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. અન્યથા ન છુટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. આ વેળાએ દલિત સમાજના આગેવાન કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમહાપાલિકાના બજેટ માટે બંધ બારણે કારોબારી શરૂ
Next articleબગીચાઓ બાદ સ્વીમીંગ પૂલ બંધ અને રવિવારી બજાર ભરચક!