રસીના ડોઝ વચ્ચે ૬થી ૮ સપ્તાહનું અંતર રાખવાનો રાજ્યોને નિર્દેશ

675

(સં.સ. સે.) નવી દિલ્હી
કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે કેન્દ્ર સરકાર તરફથી બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને મહત્વનો નિર્દેશ અપાયો છે. હવે, કોવિશીલ્ડ વેક્સીનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે અંતર વધારવાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રના નિર્દેશ મુજબ, કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું ૬થી ૮ સપ્તાહનું અંતર હોવું જોઈએ. હાલમાં પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર ૨૮ દિવસનું છે. એટલે કે, હવે બે ડોઝ વચ્ચેનું અંતર એક મહિનાથી વધીને લગભગ બે મહિના કરી દેવાયું છે.
કેન્દ્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, નટજી અને વેક્સિનેશન એક્સપર્ટ ગ્રુપના હાલના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો જોઈએ. દાવો કરાયો છે કે, જો વેક્સીનનો બીજો ડોઝ ૬થી ૮ સપ્તાહમાં આપવામાં આવશે, તો તે વધુ લાભદાયક રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોવિશીલ્ડ પુનેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ સૌથી વધુ ઉપયોગ આ રસીનો જ કરવામાં આવી રહ્યો છે. દરમિયાનમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ભારતમાં રોજ રેકોર્ડ નવા કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાના પ્રકોપનો સામનો કરવા માટે કેટલાક રાજ્યોએ પ્રતિબંધ મૂક્યા છે. અમુક રાજ્યોમાં એન્ટ્રી માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત છે. જ્યારે મુંબઇમાં મોલમાં જવા માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ જરૂરી છે.
મુંબઇમાં હવે બીએમસીએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે હેઠળ કોઇપણ મોલમાં એન્ટ્રી લેતાં કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
આજથી મુંબઇના તમામ મોલમાં રેપિડ એન્ટીજન ટેસ્ટની સુવિદ્યા શરૂ થઇ જશે. ટેસ્ટ વગર મોલમાં એન્ટ્રી નહીં થાય. આ માટે મોલના એન્ટ્રી ગેટ પર ટીમ હાજર હશે.
રાજસ્થાન સરકારે પણ હરિયાણા, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત બનાવી દીધો છે. નેગેટિવ આરીટ-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય કરાયો છે. આ રિપોર્ટ ૭૨ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ.
કોરોના વાયરસની નવી લહેરે મધ્ય પ્રદેશમાં પણ ચિંતા વધારી છે. નાઇટ કર્ફ્‌યૂ ઉપરાંત રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત છે. સાથે જ મધ્ય પ્રદેશ સરકારે ૨૦ માર્ચથી મહારાષ્ટ્રમાં અવરજવર માટે પેસેન્જર બસો પર રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, દેશભરમાં એક દિવસમાં કોરોના વાયરસના ૪૬,૯૫૧ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૨૦૦થી વધુ લોકોનાં મોત નિપજ્યાં હતાં. દેશમાં ૧૩૦ દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે ૭૨ દિવસ બાદ એક દિવસમાં સૌથી વધુ લોકોનાં વાયરસથી મોત થયા છે.

Previous articleજાપાનની નોઝોમી ઓકુહારાએ ઓલ ઇંગ્લેન્ડ વુમન બેડમિંટનનો ખિતાબ મેળવ્યો
Next articleત્રિરંગાવાળી કેક કાપવી એ અપમાન જનક નથીઃ મદ્રાસ હાઇકોર્ટ