દેશમાં જે પ્રમાણે મોંઘવારીએ માઝા મૂકી છે તેને લઈને હવે આમ જનતા પણ રોડ પર ઉતરી આવવા માટે મજબૂર બની છે. આજે ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા લોકો સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ મોંઘવારી મુદ્દે રેલી યોજી અને કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી.હાલ જે પ્રમાણે જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે તેને લઈને હવે આમ જનતાને જીવનનિર્વાહ ચલાવવા મુશ્કેલ બની ગયો છે. આવા સંજોગોમાં હવે જનતાની સહનશક્તિની સીમા આવી ગઈ હોય તેવું લાગે છે. આજે ભાવનગર શહેરમાં કોઇ રાજકીય પક્ષ નહીં પરંતુ કોઈ એક વિસ્તારના લોકો સામાજિક કાર્યકર ની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે રોડ પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના પ્રેસ રોડ અને કરચલીયા પરા વિસ્તાર ના લોકો સામાજિક કાર્યકર સુરેશભાઈ ચૌહાણની આગેવાની હેઠળ પોસ્ટરો સાથે ભાવનગરના ખારગેટ વિસ્તારથી રેલી યોજી ઘોઘાગેટ વિસ્તારમાં પ્રદર્શન કરી અને કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરવામાં આવી હતી. આવેદનમાં રજૂઆત કરાઈ હતી કે હાલ શિક્ષણ નહીં તો પછી ફી શા માટે, તેમજ જીવન જરૂરી વસ્તુઓના બેફામ વધી રહેલા ભાવોને કાબૂમાં લેવામાં આવે, ભ્રષ્ટાચારીઓ પર કડક પગલાં લેવામાં આવે તેવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.