ભાવનગર જિ. પં.નું રૂા. ૧૦૩૫ કરોડનું વાર્ષિક બજેટ સર્વાનુમત્તે મંજુર

924

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે ૧૧ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં સને ૨૦૨૦-૨૧ના વર્ષનું સુધારેલ અને સને ૨૦૨૧-૨૨ના વર્ષનું અંદાજપત્ર રજુ થયું હતું. જેમાં સરકારી પ્રવૃત્તિઓ અને સ્વ ભંડોળની આવક મળીને કુલ સુચિત અંદાજીત આવક રૂા. ૧૦૪૧.૬ કરોડ તથા ખુલતી સિલક રૂા. ૩૬૩.૧૯ કરોડ મળી કુલ રૂા.૧૪૦૪.૨૬ કરોડની સામે રૂા. ૧૦૩૫.૨૦ કરોડના ખર્ચની જોગવાઇઓ કરી વર્ષના અંતે રૂા. ૩૬૯.૦૫ કરોડની પુરાંતલક્ષી બજેટ રજુ થયું હતું. આમ, આજે મળેલી સભામાં જિલ્લા પંચાયતનું રૂા. ૧૦૩૫.૨૦ કરોડના બજેટને સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.
આજે મળેલી સભામાં પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સને ર૦૨૧-૨૨ના સ્વ ભંડોળ વિભાગમાં જિલ્લા પંચાયતમાં કુલ રૂા. ૧૩૫૭.૭૯ લાખ ખર્ચ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ચૂંટાયેલા સદસ્યોને તેમના વિસ્તારના વિકાસના કામો માટેની જોગવાઇમાં સદસ્ય દિઠ રૂા. ત્રણ લાખ ખર્ચ કરવા માટે કુલ રૂા. ૧૨૦ લાખની તેમજ સ્ટેમ્પ ડ્યુટી ગ્રાંટમાંથી વિકાસના કામો માટે રૂા. ૧૬૦ લાખ અને જંગલ કટીંગ માટે રૂા. ૪૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત આ બજેટમાં બાંધકામ ક્ષેત્ર માટે રૂા. ૩૫૮ લાખ, શિક્ષણ ક્ષેત્રે ૯૦.૫૫ લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂા. ૧૪.૧૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂા. ૭.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. સ્કોલરશીપ સહાય માટે રૂા . સાત લાખ ખેત મજુર આકસ્મીક મૃત્યુ સહાય રૂા. દસ લાખ, જિલ્લા પંચાયતમાં બિલ્ડીંગો, મકાનોની સંભાળ, મરામત અને આધુનિકરણ માટે રૂા. પચાસ લાખ અને પથિકાશ્રમની મરામત અને નિભાવણી રૂા. ૪૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. દવાખાનાઓની સુવિધા વધારવા માટે પણ જોગવાઇ કરવામાં આવી છે.
આગામી વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ ૧૫મું નાણાપંચ અને સ્વભંડોળના સુભગ સમન્વયમાંથી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રસ્તા, પાણી, ગટર, સિંચાઇ, અને સફાઇ જેવી પાયાની સુવિધા ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડીના બાલકો માટેની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. ખેડુતો અને પશુપાલકો માટે આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન કરવામાં આવશે. જિલ્લાના વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. અંતરિયાળ ગામડાઓ સુધી અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધા પહોંચાડી શકાય તે માટેની આ બજેટમાં જોગવાઇઓ કરવામાં આવી છે. તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું.
જ્યારે આજે મળેલી સભામાં વિપક્ષના સભ્યોએ આ બજેટને ચીલાચાલુ ગણાવ્યું હતું. અને વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ઉર્ફે પદુભા ગોહિલ (ખોખરા)એ આક્રમક મુડમાં જણાવ્યું હતું કે લોકોએ બહુમતીએ ચૂંટીને મોકલ્યા છે તો ગામડાના લોકોના વિકાસના કામો કરો, આપણા વિકાસના કામો કરવાની જરૂર નથી. ઉપરાંત તેમણે સુચન પણ કર્યું હતું કે ગામડામાં રમત ગમતના મેદાનો માટે કોઇ રકમની ફાળવણી ઓછી થઇ છે. ગરિબ, મધ્યમ અને બીપીએલ કાર્ડ ધારકોને અપાતી દવા માટેની સુવિધાઓ અને સહાય ઓછી છે તેમાં સુધારો કરો, ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને હાઇવે રોડ અને વાડી ખેતરમાં ભુંડ અને રોજ નો ત્રાસ દુર કરો તે માટે નાણાની ફાળવણી કરવી જોઇએ જે થઇ નથી. ખેડુતોના લાભાર્થે વધુ ગ્રાન્ટની ફાળવણી કરવા પણ વિપક્ષે માંગ કરી હતી. પથિકાશ્રમનો કોઇ ઉપયોગ નથી. આવક થતી નથી છતા તેના માટે રૂા. ૪૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી તે વ્યાજબી નથી.
આ ઉપરાંત વિપક્ષના નેતા પદુભાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા સદસ્યોને પોતાના વિસ્તારના વિકાસ માટે કરવાના કામો માટે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે રૂા. ૧૦ લાખનો તેમાં વધારો કરી રૂા. ૧૫ થી ૨૦ લાખ કરવી જોઇએ. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સદસ્યો એક થયા હતા અને વધુ રકમ ફાળવવા માટે સરકારમાં રજુઆત થવી જોઇએ તેમ તમામ સભ્યોએ જણાવ્યું હતું. ચૂંટાયેલા મહિલા સદસ્યોએ પણ વિધ્વા મહિલાઓની સહાય, સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. ઉપરાંત વિપક્ષના સભ્યોએ પશુ દવાખાનાઓને ડોક્ટરની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. રોગી કલ્યાણ સમિત્તિની દવાઓનો મુદ્દો પણ ઉઠ્યો હતો. વ્યસન મુક્તિ માટેના અભિયાનનો ખર્ચ પણ બજેટમાં શૂન્ય હોય તો તેની માટે પણ ગ્રાન્ટ ફાળવવી જોઇએ તેમ વિપક્ષના સભ્યોએ માંગ ઉઠાવી હતી. જ્યારે સભામાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી વરૂણ કુમાર બરનવાલે સદસ્યોને શાંતિથી સાંભળી સામે યોગ્ય પ્રત્યુતર આપી સદસ્યોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ખાતરી પણ આપી હતી. આજે મળેલી સાધારણ સભાના અંતમાં અધ્યક્ષ સ્થાનેથી પણ કેટલાક ઠરાવો રજુ થયા હતા જેને સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આજે ચૂંટાયેલા સદ્‌સ્યોની પ્રથમ સભા હોય જેમાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ સિહોરાને ડાઇઝ ઉપર બેસવા માટેનો પણ ઠરાવ મંજુર થતા તેમને પ્રમુખની બાજુમાં ડાઇઝ ઉપર બેસાડવામાં આવ્યા હતા.
આ સભામાં ભાવનગર જિલ્લા પંચાયતના ૪૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપના ૩૧, કોગ્રેસના ૮ અને આમ આદમી પાર્ટીના મહિલા સદસ્ય લાલુબેન નરશીભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ ચર્ચામાં ભાગ લઇ આરોગ્ય લક્ષી પ્રશ્નો રજુ કર્યા હતા. આજે મળેલી સભામાં ભાવનગર જિલ્લા પંચાયતનો ભાવનગરજ્ર પંચવર્ષિય આયોજન માટેનો ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી રજુ થયો હતો જેને મંજુર કરવામાં આવ્યો હતો.
જેમાં સ્વચ્છતા, પીવાના પાણી, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, પશુપાલન, કૃષિ, સમાજ કલ્યાણ, સહિતના આગામી પાંચ વર્ષમાં થનાર વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મળેલી સભામાં આગામી દિવસોમાં ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતું કાર્યક્રમ અપાશે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ સહિત પદાધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાભળશે.

Previous articleભાવનગર ખાતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકેનો ચાર્જ સંભાળતાં : બી.જે.પટેલ
Next articleભંડારિયામાં જૈન દેરાસરના જીણોદ્ધાર સાથે સંઘ દ્વારા સુવિધાઓ વિકસાવાશે