ક્રોધ, અહંકાર અને બુરાઇઓને બાળવા સાથે અવનવા રંગો સાથે એકબીજાનું જીવન રંગીન અને ખુશીઓવાળું બનાવવાના તહેવાર હોળી – ધૂળેટીની ભાવેણાવાસીઓએ ઉત્સાહભેર અને પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. રવિવારે શહેર ભરમાં વિવિધ વિસ્તારોમાં શેરી – મહોલ્લાનાં નાકે વિવિધ યુવક મંડળો અને વિસ્તારના રહીશો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. જેના વિસ્તારના રહીશોએ દર્શન કરી પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી અને હોળીમાં પરંપરાગત રીતે ધાણી, દાળીયા, ખજુર, શ્રીફળ હોમવામાં આવેલ. આજે સોમવારે રંગોત્સવ પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવેલ. જો કે કોરોના મહામારીના કારણે સરકારની ગાઇડલાઇન તથા કેટલાક પ્રતિબંધો હોવાના કારણે લોકોએ બહાર નહીં નિકળવા પોતાના ઘર પાસે જ એકબીજા પર રંગો છાંટીને ધૂળેટીની ઉજવણી કરી હતી. તો બાળકોએ પણ પીચકારી વડે એકબીજા ઉપર રંગ છાંટીને પર્વની ઉજવણી કરી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં રંગોત્સવના પર્વ ધૂળેટીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ધૂળેટીમાં બાળકોએ શેરી-મહોલ્લાઓમાં ઠેર ઠેર એક બીજા પર રંગો નાખી ધૂળેટી પર્વેની હર્ષો ઉલ્લાસભેર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.
ભાવનગર શહેરમાં કોરોના વચ્ચે શેરીઓ, મહોલ્લા અને સોસાયટીમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વડીલોએ ઘરે ઘરે જઈને એકબીજાને રંગીને ધૂળેટીની ઉજવણી કરાઈ હતી. શહેરની વિવિધ સોસાયટી અને મહોલ્લાઓ, પોળોમાં પણ બાળકો અને યુવાનો-યુવતીઓએ એકબીજા ઉપર રંગબેરંગી કલર નાખી ધૂળેટી પર્વેની હર્ષો ઉલ્લાસભેર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ ધૂળેટીની રંગપર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન આપવામાં આવી છે. નાના-મોટા સૌ કોઈ અબીલ-ગુલાલ અને કેસુડાના રંગે રમી હતી. શેરીઓમાં અબીલ-ગુલાલથી યુવાનોએ ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. ધૂળેટીની યાદગીરી માટે કેટલાય યુવક યુવતીઓ અબીલ ગુલાલ અને દેશી રંગથી રંગાઈને યાદગીરી માટે સેલ્ફી લેતા પણ નજરે ચડ્યા હતા.