ગઈકાલે ધૂળેટીના તહેવાર નિમિત્તે ત્રણ યુવાનો કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં નાહવા માટે ગયા હતા તે સમયે દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા, બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા જયારે અન્ય એક યુવાનને સારવાર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ધુળેટીના દિવસે રજા હોય લોકો કોળીયાક દરીયા કિનારે ફરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કેટલાંક લોકોએ પાણીમાં ન્હાવાની પણ મજા માણી હતી. જેમાં કોળિયાકના દરિયામાં પાણી ભરતી આવતા ત્રણ યુવાનો ન્હાવા પડયા હતા જેમાં પાણીમાં તણાઈ જતા ત્રણ પૈકી બે યુવાનોના મોત થયા છે જેમાં રાકેશભાઈ મુકેશભાઈ ભાલાયા (ઉ.વ.૨૬) અને પંકજભાઈ ધનજીભાઈ સરવૈયા (ઉ.વ.૨૫ રહે.અકવાડા ગુરુકુળ પાસે) આ બંને યુવાનો દરિયામાં ડૂબી જતાં મોત થયા છે જયારે વિવેકભાઈ રમેશભાઈ બારૈયા (ઉ.મ.૨૦ રહે.સરદારનગર લંબે હનુમાનજી મંદિર પાછળ) ગંભીર હાલતે પહેલા કોળિયાક હોસ્પિટલ તથા વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર્થે ખસેડાયેલ છે. ગઈકાલે કોળિયાકના દરિયાકિનારે હોળી-ધુળેટીના તહેવારને લઈ લોકો મોટી સંખ્યામાં હરવા-ફરવા અને ન્હાવા પહોંચ્યા હતા જેમાંથી ત્રણ યુવાનો પાણીમાં ખેંચવા લાગ્યા હતા અને ડૂબતા જોતા તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવી ત્રણે યુવાનોને બહાર કાઢ્યા હતા તેમાંથી ૨ યુવાનોના મોત નિપજયા હતા, જ્યારે એકની હાલત ગંભીર જણાતા ૧૦૮ દ્વારા ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.