(સં. સ. સે.) મુંબઈ, તા. ૩૦
કોરોનાએ મચાવેલા હાહાકારની વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવાના મુદ્દે સરકારમાં મતભેદો જોવા મળી રહ્યા છે. એક તરફ સીએમ ઉધ્ધવ ઠાકરેએ તાજેતરમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને રોડ મેપ તૈયાર કરવા માટે કહ્યુ હતુ ત્યારે હવે સરકારમાં ભાગીદાર એનસીપીએ લોકડાઉન લગાવવા સામે વિરોધ દર્શાવ્યો છે.એનસીપીના નેતા અને સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર વધુ એક લોકડાઉન સહન નહીં કરી શકે.અમે મુખ્યમંત્રીને બીજા વિકલ્પો પર વિચારણા કરવા માટે અપીલ કરી છે.જો લોકો બેદરકારી ના દાખવે તો લોકડાઉનને ટાળી શકાય છે.
જોકે એનસીપીના આ નિવેદન પછી દેખાઈ રહ્યુ છે કે, લોકડાઉનના મુદ્દે સરકારમાં સંમતિ નથી.કદાચ લોકડાઉન લાગુ થાય તો લોકોનો રોષ વધી શકે છે અને તેના કારણે એનસીપી તેનો વિરોધ કરી રહી હોય તેવુ દેખાઈ રહ્યુ છે.
બીજી તરફ ભાજપ પણ લોકડાઉન લાગુ કરવાના વિરોધમાં છે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલનુ કહેવુ છે કે, લોકડાઉન એ યોગ્ય વિકલ્પ નથી.તેનાથી સૌથી વધારે નુકસાન રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ વર્ગના લોકોને થશે અને તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
દરમિયાન સીએમ ઠાકરે દ્વારા આજે પણ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવશે.જેમાં ગરીબો અને ઈકોનોમીને નુકસાન ના થાય તે રીતે લોકડાઉન લાગુ થઈ શકે છે કેમ તેના પર ચર્ચા વિચારણા કરશે.આ ગાઈડ લાઈનને ૨ એપ્રિલથી લાગુ કરાય તેવી શક્યતા છે.
છેલ્લા એક મહિનામાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૬ લાખ નવા કેસ સામે આવી ચુક્યા છે અને હજી પણ કોરોના કાબૂમાં આવે તેવુ લાગી રહ્યુ નથી.