નર્મદા યોજના પૂર્ણ થવામાં મેઘા પાટકરનો સિંહ ફાળો : પરેશ ધાનાણી

858
guj542018-5.jpg

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ થવામાં મહિલા આંદોલનકારી મેઘા પાટકરનો સિંહફાળો હોવા અંગેના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનને લઇ સમગ્ર રાજયભરમાં જોરદાર ઉહાપોહ મચી ગયો હતો. ખાસ કરીને નર્મદા વિરોધી આંદોલનકારી મેઘા પાટકરના સમર્થનમાં કોંગ્રેસના આ પ્રકારના નિવેદનને લઇ ભાજપ પર સીધો પ્રહાર વાગ્યો હતો અને તેથી ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવી ગયા હતા. પરેશ ધાનાણીના મેઘા પાટકરના ગુણગાન સામે ભાજપે પણ વળતા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસના મેઘા પાટકર સાથેના સંબંધો ખુલ્લા પડી ગયા હોવાના ચાબખા માર્યા હતા. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ એક વિવાદીત નિવેદન કરતાં જણાવ્યું  કે,નર્મદા મુદ્દે  બીજેપી સરકારની નીતિ ચોરી પર સિનાજોરી સમાન છે. તેમણે મેધા પાટકરનું સમર્થન કરતા કહ્યું કે, ગુજરાત રાજ્ય મેધા પાટકરનું આભારી છે. મેધા પાટકરે એમપીમાં નર્મદાની ઊંચાઈ વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે નર્મદાની ઊંચાઈ વધારવામાં આવતા વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસન માટે આંદોલન ચલાવ્યું હતું. ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, મેધા પાટકરને રાજીવ સાતવજી(ગુજરાત કોંગ્રેસ પ્રભારી)એ પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત તેમનું પણ આભારી છે. એમપીએ ૨૦૦૬ પહેલા પુનર્વસનનું કામ પૂર્ણ કરવાનું હતું, પરંતુ સરકાર વર્ષો સુધી પુનર્વસન કરવામાં નિષ્ફળ રહેતા અંતે આંદોલન કરવું પડ્‌યું હતું. આથી એમપીની બીજેપી સરકારના કારણે નર્મદાના પાણી ગુજરાતને મોડા મળ્યા. ગુજરાતને નર્મદાનું પાણી મોડું મળ્યું તેના માટે મધ્યપ્રદેશની બીજેપી સરકાર જવાબદાર છે. ૨૦૦૬માં મધ્યપ્રદેશે પુનર્વસન ન કરતા તેની ઊંચાઈ વધારવામાં વિલંબ થયો હતો. નર્મદા ગુજરાતની જીવાદોરી હોવાથી તેના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. જ્યારે ભાજપ સરકારે તેના પર રાજકારણ રમી ગુજરાતની પ્રજાને નર્મદાનું પાણી મોડું પહોંચાડ્‌યું છે. પરેશ ધાનાણીએ મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યું કે, ૨૦૦૬થી ૨૦૧૪ સુધી એમપી સરકાર વિસ્થાપિતોનું પુનર્વસન કરવામાં નિષ્ફળ રહી છે. જેને કારણે મુદ્દો કોર્ટ સમક્ષ આવ્યો. ગુજરાતે હજુ પણ એમપી સરકાર પાસેથી કરોડો રૂપિયા લેવાના બાકી નીકળે છે. સરકારની આ ખરાબ નીતિના કારણે રાજ્ય સરકારની તિજોરી પર રૂ. ૭૦૦ કરોડનો બોજો પડ્‌યો છે.  શું આ ગંભીર બેદરકારી માટે ભાજપ શિવરાજસિંહ ચૌહાણનું રાજીનામું માંગશે? પરેશ ધાનાણીએ કહ્યું હું કોઈ ચહેરાનું સમર્થન કરતો નથી, પરંતુ ૨૦૧૭ના આંદોલનના પ્રતાપે જ ગુજરાતને લાભ થયો છે.
જેમના કારણે ગુજરાતની જનતાને ફાયદો થયો છે. રાજીવ સાતવ અને મેધા પાટકરના આંદોલનના પ્રતાપે મધ્યપ્રદેશની સરકારને પુનર્વસન કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ જ ડેમમાં પાણી ભરવાની શરૂઆત થઈ હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આ નિવેદનને પગલે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયુ હતું,
 ખાસ કરીને ભાજપને ધાનાણીના નિવેદનથી સીધો ઘા વાગ્યો હતો, 
જેને પગલે આ સમગ્ર વિવાદમાં ખુદ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાતે જ મેદાનમાં ઉતરી ધાનાણીના નિવેદનને લઇ ખંડન કરતાં પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ મેધા પાટકરના સમર્થનને કારણે ગુજરાતની પ્રજા સમક્ષ હવે ખુલ્લી પડી ગઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ નર્મદા યોજના ન બને એમ ઈચ્છતી હતી. મેધા પાટકરના કારણે આ યોજનામાં વિલંબ થયો છે. કોંગ્રેસના આ નિવેદનથી મેધા પાટકર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો ખુલ્લા પડ્‌યા છે. દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ધાનાણીને નિવેદનને લઇ જડબાતોડ જવાબ આપ્યો હતો અને કોંગ્રેસ પર ચાબખા વરસાવ્યા હતા.

Previous articleમેઘા પાટકરના સંબંધથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ : રૂપાણી
Next articleશામળાજી ચેકપોસ્ટ પાસેથી ૪૬.૫૦ લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું