નર્મદાના પાણીના અયોગ્ય વ્યવસ્થાપનના કારણે કાળઝાળ ઉનાળમાં પીવાના પાણીની પણ ઉભી થયેલી સમસ્યા દરમિયાન આબરૂ બચાવી રાખવા સરકાર તરફથી પાણીનો કરકસરથી ઉપયોગ કરવા જનતાને સમજાવવામાં આવી રહી છે. બીજી બાજુ સિંચાઇ માટે પાણીનું ટીંપુ પણ નહીં આપવાનો નિર્ણય લઇ લેવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે પાક બચાવવા નર્મદા કેનાલમાંથી જ પાણીની બેફામ ચોરી થઇ રહી છે. નર્મદા નિગમ દ્વારા પાણીની ચોરી રોકવા માટે ગાંધીનગર જિલ્લામાં બે દિવસથી ઝુંબેશ શરૂ કરાઇ છે. તેમાં કલોલ પંથકમાં કેનાલ પર મુકવામાં આવેલી ૧૨૩ બકનળીઓ કાપી નાખવામાં આવ્યાની સાથે ૩૨૮ જેટલા પમ્પ હટાવવામાં આવ્યા હતાં.
ગુજરાતની જીવાદોરી બની રહેલી નર્મદા કેનાલમાં બકનળીઓ મુકીને તથા બીજા છેડે ઇલેક્ટ્રીક પમ્પ મુકીને પાણીની બેફામ ચોરી કરવામાં આવી રહી હોવાના કારણે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઘટાડાયેલા નિયત જથ્થામાં પણ પાણી પહોંચતુ નથી. બીજી બાજુ પમ્પ મુકીને નર્મદા કેનાલમાંથી પાણી ખેંચનાર કેટલાક તત્વો આ પાણીનો વેપલો કરવા લાગ્યા છે. ત્યારે સફાળા જાગેલા તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ પાર્ટી અને મામલતદાર કચેરીની ટીમને સાથે રાખીને શરૂ કરેલી રાજ્ય વ્યાપી તપાસમાં ઠેર ઠેર મુકેલા પમ્પ અને જથ્થાબંધના હિસાબે બકનળીઓ દરરોજ પકડાઇ રહ્યાં છે.પાણીની ચોરી કરી રહેલા તત્વો દ્વારા કેનાલનાં કાંઠા સોંસરવા સ્ટીલના મોટા પાઇપ ફીટ કરી દઇને તેના પર પાકુ ચણતર કરી દેવામાં આવે છે. પરિણામે દુરથી જોનારેને ખ્યાલ પણ આવે નહીં.જ્યારે પાણી ખેંચવાનું હોય ત્યારે સ્ટીલના પાઇપ સાથે પ્લાસ્ટિકના હોઝપાઇપ લગાવી દઇને દુરના ખેતર કે સીમમાં હેવી ડ્યુટી પમ્પ ચાલુ કરીદેવામાં આવે છે.
મોટા પમ્પ મુકીને પાણી ખેંચીને નજીકના વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તલાવડા ભરી દેવામાં આવે છે. જ્યાં પોતાની હોઝપાઇપનું નેચવર્ક ગોઠવીને પાણી ખરીદનારા પાણી ઉઠાવી લે છે. એકવાર ભરાયેલુ તળાવડુ ખાલી થાય ત્યારે પાણી ચોરો દ્વારા તેને ફરીથી કેનાલના પાણીથી ભરી દેવાય છે અને નવેસરથી બીજા વ્યક્તિને વેચી મારવામાં આવે છે.