છેલ્લા એકાદ મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદીન વધારો થઇ રહ્યો છે.
પોઝીટીવ કેસોની સંખ્યા ગત પખવાડીયા કરતા ડબલ કરતા વધુ થઇ જવા પામી છે. જેના કારણે રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેરમાં પણ સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે લોકોએ પણ હવે સાવચેત થઇ જવું જરૂરી બન્યું છે. કોરોનાના વધતા જતા કેસોએ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના પોઝીટીવની સંખ્યા ઝડપથી વધી રહી છે. માર્ચ માસનાં કુલ ૭૦૦ જેટલા કેસ નોંધાયા હતા અને માર્ચના અંતિમ પખવાડીયામાં તેનો રેશિયો વધી કુલ ૪૮૬ કેસ નોંધાયા હતા અને કોરોનાની તિવ્રતા વધતી જ રહી પરિણામે એપ્રીલના પ્રથમ સપ્તાહમાં જ કુલ ૫૦૫ કેસ નોંધાઇ જવા પામ્યા છે અને ડબલીંગ રેશિયો થઇ જવા પામ્યા છે. તંત્ર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને નિયમોનો પાલન કરવાઇ રહ્યું છે પરંતુ બજારમાં થતી લોકોની ભીડ અને નિયમોનું પાલન લોકો દ્વારા નહીં કરવાના કારણે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જે લોકો માટે અને તંત્ર માટે ચિંતાનો વિષય સાબિત થઇ રહ્યો છે