શહેરમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા ૩૪ લોકો સામે કેસ કરતી પોલીસ

948

રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેરમાં તા.૮ એપ્રિલથી રાત્રી ૮ થી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવેલ છે. જેનો પોલીસ દ્વારા હવે કડક અમલ કરાવવાનું શરૂ કરાયું છે. ગતરાત્રીના શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી પોલીસે ૩૨ જેટલા જાહેરનામાના ભંગના કેસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નાઈટ કર્ફ્યુ દરમિયાન કડક વલણ અપનાવતા રાત્રી દરમિયાન લોકો બહાર નિકળવા ડરી રહ્યા છે અને નિયમોનું ચુસ્તપાલન કરવા મજબુર બની રહ્યા છે. સમગ્ર રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના બેફામ બનતા સરકાર દ્વારા રાજ્યના ૨૦ શહેરોમાં નાઈટ કર્ફ્યુનો આદેશ આપવામાં આવ્યો જેની અમલવારી શરૂ થઈ જવા પામી છે. ભાવનગર શહેરમાં બુધવારથી નાઈટ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ રાત્રીએ પોલીસે શહેરમાંથી ૧૫ જેટલા જાહેરનામા ભંગના કેસ કર્યા હતા. જ્યારે ગત રાત્રીના શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અને પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં એ.ડીવીઝન પોલીસે જાહેરનામા ભંગના ૪ કેસ કર્યા હતા. જ્યારે બી.ડીવીઝન પોલીસે પાંચ જાહેરનામા ભંગના અને ૬ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. સી.ડીવીઝન પોલીસ દ્વારા એક કેસ કરાયો હતો. જ્યારે ડી.ડીવીઝન પોલીસે જાહેરનામા ભંગના ૧૨ કેસ કર્યા હતા. તો વરતેજ પોલીસે એક કેસ કર્યો હતો. ભરતનગર પોલીસે જાહેરનામા ભંગના ૧૦ અને એક વાહન ડીટેઈન કર્યુ હતું. આ ઉપરાંત તમામ ડીવીઝન અને એસઓજી પોલીસ દ્વારા મળી કુલ ૪૨ માસ્કના કેસ કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ ભાવનગરમાં હવે રાત્રી કર્ફ્યુનો કડક અમલ પોલીસ દ્વારા કરાવાતા અને જાહેરનામા ભંગના કેસ કરી વાહન ડીટેઈન કરવાની કામગીરી શરૂ કરાઈ લોકોમાં ભય ફેલાયો છે. અને હવે લોકો કારણ વિના રાત્રી દરમિયાન બહાર નહી નીકળી રાત્રી કર્ફ્યુનું ચુસ્ત પાલન કરવા મજબુર બન્યા છે.

Previous articleભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પૂના, દિલ્હી માટેની હવાઇ સેવા શરૂ થશે
Next articleલોકો સ્વયંભૂ કોરોના ટેસ્ટ કરાવવા લાગતા રેપિડ ટેસ્ટ કીટ ખુટી પડી