સર.ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોએ ઉશ્કેરાઇ જઇ હંગામો મચાવ્યો

1034

ભાવનગર શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ગઇકાલે કોરોના દર્દીનું મોત નિપજતાં પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને હોસ્પિટલમાં હંગામો મચાવી તોડફોડ કરી હતી. ઉપરાંત નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરાયો હતો જેના કારણે કોલેજ કેમ્પસ બહાર મેડીકલ સ્ટાફ ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની જાણ થતાં અધિક કલેક્ટર, સીટી ડિવાયએસપી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અધિક કલેક્ટરની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલનાં સીક્યુરીટી ગાર્ડે નિલમબાગ પોલીસ મથકમાં મૃતકનાં પુત્ર, અને પત્નિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
શહેરનાં સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ રહેલ બોટાદના ગઢડા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા કોરોના પેશન્ટ ભરતભાઇ નાથાભાઇ રાઠોડનું મૃત્યુ નિપજતા તેના પરિવારજનો પૈકી પત્ની પુષ્પાબેન ભરતભાઇ રાઠોડ અને પુત્ર હર્ષ રાઠોડ તેઓના મૃતદેહને બળજબરીપૂર્વક ટ્રોમા સેન્ટરની બહાર લઇ જતા ડોક્ટરની સુચના આધારે ફરજ પર રહેલ સિક્યુરીટી સ્ટાફે તેઓને મૃતદેહ લઇ જતા અટકાવતા માતા પુત્ર બંને તબીબ પાસે ભરતભાઇના કેસ કાગળ માગવા પહોંચ્યા હતાં જ્યાં તબીબે નર્સીગ સ્ટાફ પાસે હોવાનું જણાવતા બંનેએ ફરજ પર હાજર સિસ્ટર સોનલબેન, શિતલબેન અને હેતલબેનને અપશબ્દો કહી કેસ કાગળની માગણી કરી તેઓ સાથે ઝપાઝપી કરી હેતલબેન અને સોનલબેનને હર્ષે લાફા મારી દઇ ડોક્ટર કેબીનના કાચના દરવાજાની તોડફોડ કરી નુકશાન પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા અધિક કલેક્ટર, ડિવાય એસ પી. સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો.
તે દરમિયાન નર્સીગ સ્ટાફ પર હુમલાના બનાવને લઇ મેડિકલ કોલેજ બહાર સ્ટાફ ધરણા પર બેસી ગયો હતો અને તેઓની સિક્યુરીટી બાબતે માંગ કરી હતી જેને લઇ અધિક કલેક્ટરે મધ્યસ્થી કર્યા બાદ મેડિકલ સ્ટાફે ધરણા સમેટી લેતા મામલો થાળે પડ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પરશોતમભાઇ ધરમશીભાઇ પોયલા (ઉ.વ.૫૦) એ નિલમબાગ પોલીસ મથકમાં પુષ્પાબેન ભરતભાઇ રાઠોડ અને તેના દિકરા હર્ષ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૪૨૭ તેમજ સાર્વજનીક મિલકતોને નુકશાન અટકાવવાના અધિનિયમ ૩(૧) મુજબ ગુનો દાખલ કરી આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

Previous article“કોરોના” કાળો કેર મચાવ્યો શહેરમાં ટપોટપ મરતો મનખ(માણસ)
Next articleરંઘોળા પીએચસીની મુલાકાત લેતા કલેક્ટર અને ડીડીઓ