(સંપૂર્ણ સમાચાર સેવા) પટણા, તા. ૧૪
કોરોનાના કારણે આખો દેશ બેહાલ છે અને રોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. જોકે સરકાર અને રાજકીય પક્ષો ચૂંટણીના આયોજન અને પ્રચારમાં વ્યસ્ત છે.
જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે તે રાજ્યોમાં તો જાણે કોરોના છે જ નહીં તેવા દ્રશ્યો દેખાય છે. એટલે એવી રમૂજ પણ ચાલી રહી છે કે, કોરોના ભગાડવો હોય તો ચૂંટણી યોજવી જોઈએ.
બિહારના પટણામાં આવી જ મજાક કરતુ એક પોસ્ટર ચર્ચામાં આવ્યુ છે. જાહેર સ્થળોએ લગાડાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યુ છે કે, કોરના ભગાડવા માટે બિહારમાં પણ ચૂંટણી યોજાવી જોઈએ. કારણકે મુખ્યમંત્રીથી તો કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા પોતે જ આઈસીયુમાં છે. એટલે કોરોનાની સાથે સાથે બેરોજગારી ભગાડવા માટે બિહારમાં તરત ચૂંટણી કરાવવાની જરુર છે.
બિહારમાં પણ હવે કોરોના રૌદ્ર સ્વરુપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ૩૩૦ ટકાનો વધારો દેખાયો છે અને તેના કારણે લોકોની પરેશાની વધી ગઈ છે. ચારે તરફ ભય અને ગભરાહટનો માહોલ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૦૦૦ ઉપરાંત દર્દી સામે આવી ચુક્યા છે.