(જી.એન.એસ)મુંબઇ,તા.૧૪
પશ્રિ્ચમ બંગાળમાં જઈને અન્ય રાજ્યના નેતાઓ વિવાદાસ્પદ વિધાનો કરી રહ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. પશ્રિ્ચમ બંગાળની આ ચૂંટણી નવું મહાભારત બની ગયું છે અને જૂના મહાભારતમાં જેમ કોઈ નિયમોનું પાલન કરતું નહોતું, તેમ આ નવા મહાભારતમાં પણ કોઈને નિયમોની પડી નથી. જોકે હું ચોક્કસ પણે માનું છું કે મમતા બૅનર્જી જ આ ચૂંટણી જીતશે એવું વિવાદાસ્પદ નિવેદન શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કર્યું છે. પશ્રિ્ચમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બૅનર્જી પર ચૂંટણી પ્રચાર કરવા પર ઈલેકશન કમિશને ૨૪ કલાકનો મૂકેલો પ્રતિબંધ એ ભાજપના ઈશારે લાદવામાં આવ્યો હોવાનો આરોપ પણ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મંગળવારે કર્યો હતો. આ તો લોકશાહી પર જ નહીં પણ દેશની સ્વતંત્ર સંસ્થાના સાર્વભૌમત્વ પર સીધો હુમલો હોવાનો દાવો કરતા સંજય રાઉતે કહ્યું હતું કે પશ્રિ્ચમ બંગાળની ચૂંટણીમાં અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા પણ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે, છતાં ફક્ત મમતા બૅનર્જીને જ કેમ સજા કરવામાં આવી? મમતા બૅનર્જીને બંગાળની વાઘણ ગણાવીને સેનાના પ્રવકતાએ વિશ્ર્વાસ વ્યક્ત કરીને રાજ્યમાં તેઓ જ વિજયી થશે એવો દાવો કર્યો હતો. શિવસેના પશ્રિ્ચમ બંગાળમાં ચૂંટણી નથી લડી રહી પણ તેમણે ટીએમસીના મમતા બૅનર્જીને સમર્થન જાહેર કર્યું છે. સેન્ટ્રલ ફોર્સ પર અને લઘુમતી કોમને લઈને કરેલી કથિત ધાર્મિક ટિપ્પણીને મુદ્દે ઈલેકશન કમિશનરે મમતા બૅનર્જીને ચૂંટણી પ્રચાર કરવા પર ૨૪ કલાકનો પ્રતિબંધ મૂકી દીધો હતો. ઈલેકશન કમિશનના આ પગલાં બાદ રાઉતે ટ્વીટ કરી હતી કે ઈલેકશન કમિશન ઑફ ઈન્ડિયાએ મમતા દીદી પર ૨૪ કલાકનો પ્રતિબંધ મૂકી દીધો છે, જે દેશની રુલિંગ પાર્ટી બીજેપીના કહેવા પર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આ ગેરબંધારણીય નિર્ણય સામે મંગળવારે મમતા બૅનર્જી કોલકત્તામાં ધરણા પર બેઠા હતા. રિપોર્ટ સાથેની વાતચીત દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે કેમ ફક્ત મમતા દીદીને જ ઈલેકશન કમિશને સજા આપી? અન્ય પોલિટિકલ પાર્ટીઓ શું નિયમનો ભંગ નથી કરતા? આચાર સંહિતાનો ભંગ નથી કરતા?