હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળાની ઋતુમાં લોકોનુ આરોગ્ય ન બગડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં આવતા હોય છે અને વેપારીઓને નિયમનુ પાલન કરવા સુચના આપવામાં આવતી હોય છે. ભાવનગરમાં કાર્બાઈથી કેરી પકવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આઈસ ફેકટરીમાં પણ નિયમનુ પાલન કરવા જણાવેલ છે.
ભાવનગર શહેરમાં કેરી વેચતા-સંગ્રહ કરતા તમામ વેપારીઓને વિશાળ જનહિતના આરોગ્યને ધ્યાનમાં રાખી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ કાર્બાઈડથી કેરી નહી પકવવા સુચના આપવામાં આવે છે. આ અંગે એફએસએસએ ર૦૦૬ની માર્ગદર્શિકા અનુસાર માન્ય પધ્ધતિઓથી જ કેરી પકવવાની રહેશે. જો કોઈ નિયમનો ભંગ કરનાર વેપારી, પેઢી, વખાર, ગોડાઉન ધ્યાને આવશે તો તેની સામે ધોરણસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર મહાપાલિકા વિસ્તારની આઈસ ફેકટરીમાં બરફ બનાવવાના ઉપયોગમાં આવતુ પાણી ફિલ્ટર થયેલુ વાપરવુ, જેથી ભાવનગર શહેરની વિસ્તારમાં પાણીજન્ય રોગનો કેસો ન બનવા પામે. બરફનુ ઉત્પાદનકર્તાઓને બરફ બનાવવા માટે માત્ર ફિલ્ટર થયેલ પાણી અને બરફ બનાવવાના પાણીમાં સુપર કલોરીનેશન કરવા અથવા તેઓની ફેકટરીમાં આર.ઓ.પ્લાન્ટનો ઉપયોગ કરવા સુચના આપવામાં આવે છે. ફેકટરીઓમાં બનાવવામાં આવતો બરફ ખાધ્ય બરફ હોય તો, એફએસએસએ ર૦૦૬ નિયમ અનુસાર ફૂડ લાઈસન્સ અત્રેના આરોગ્ય વિભાગે સત્વરે રજુ કરવું.
ફેકટરીમાં બનાવવામાં આવતા બરફ અખાધ્ય બરફ હોય તો તેમાં બ્રિલીયન્ટ બ્લ્યુ અથવા ઈન્ડીયો કેરામાઈન રંગનો ઉપયોગ કરવાનુ સત્વરે અમલીકરણ કરવા જણાવવામાં આવેલ છે. આ બાબતે બેકાળજી દાખવનાર આસામીઓ પર ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ અને ડેઝીગ્નેટેડ ઓફીસર (ફૂડ વિભાગ) આરોગ્ય વિભાગ, ભાવનગર મહાપાલિકાએ જણાવેલ છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે અને નિયમનુ પાલન નહી કરનાર સામે લાલ આંખ કરાશે.