ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસો વધી રહયાં છે ત્યારે કોરોના સામેનો અચૂક ઉપાય એટલે કે વેક્સિન સત્વરે લઇ લેવી ખૂબ જરૂરી છે. અત્યારે ૪૫ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને સરકાર દ્વારા કોરોનાની રસી નિશુલ્ક આપવામાં આવી રહી છે. નજીકના રસીકરણ કેન્દ્રનો સંપર્ક કરીને સત્વરે દરેક વ્યક્તિએ રસી લઇ લેવી જોઇએ. જેથી પોતે તેમજ પરીવારના સભ્યો આ મહામારીથી દૂર રહે તેમજ પરિવારના સભ્યોએ પણ તેમને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા જોઇએ. જેથી વડીલો કે જેમને કોરોના થવાની સૌથી વધુ શક્યતાઓ છે, જેથી તેમને કોરોના સામે વેક્સિનનું કવચ મળે. સીટી મામલતદાર કચેરી, ભાવનગર ખાતે પુરવઠા કારકુન તરીકે ફરજ બજાવતા શ્રી વિશ્વાબેન કેસરીએ કોવીડ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તેઓ કોવીડ વેક્સિનના મહત્વ તેમજ પોતાના અનુભવ વિશે જણાવતા કહે છે કે, આ વેક્સિનની કોઇ પણ આડઅસર નથી. આ બાબતે કોઇ અફવાઓ તરફ ધ્યાન ન આપવું. કોવીડ વેક્સિનના બંને ડોઝ નાગરિકોએ અવશ્ય લેવા.
તેમણે ઉમેર્યું કે, વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે નાગરિકોએ કોરોના સંબંધિત સૂચનાઓનું અવશ્ય પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવા નિયમોનું અચૂક પાલન કરવું જોઇએ અને ભીડભાડ વાળી જગ્યાએથી દૂર રહેવું જોઇએ.