(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૧૯
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. ૧ કરોડ ૫૯ લાખ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારે આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ ખુબ જ મોટી સંખ્યામાં નાગિરકોની જ્યારે ઇચ્છા થાય ત્યારે સરકારી આયોજન અનુસાર કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ખર્ચે કરવામાં આવ્યું છે. સરકારી લેબોરેટરિમાં તેનું ટેસ્ટિંગ કરી ૨૪-૩૦ કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં લેબોરેટરી ઉભી કરવાનું આયોજન પુર્ણ કરી દેવાયું છે. મહાનગરોમાં વધારે લેબોરેટરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સાથે અલગ અલગ જિલ્લાની મુલાકાતો દરમિયાન મોરબી, ભુજ સહિત જ્યાં પણ ટેસ્ટિંગ લેબ નથી તે ઉભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ એક મશીન ફાળવવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થા છતા પણ રાજ્યનાં અનેક નાગરિકો પોતાની રીતે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટ કરાવતા હોય છે. ખાનગી લેબોરેટરી કાર્યરત છે તેમને ટેસ્ટ કરવા માટેની કિંમત નિર્ધારણ કરવામાં આવ્યું હતું. હવે ટેસ્ટિંગની કિંમત ૮૦૦ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ઘરેથી ટેસ્ટિંગનાં ૧૧૦૦ રૂપિયા વસુલાતા હતા. હવે તેમાં ૨૦૦નો ઘટાડો કરી ઘરે કે હોસ્પિટલમાંથી ટેસ્ટિંગ કરાવવા ઇચ્છતા હોય તો ૯૦૦ રૂપિયા જ ચાર્જ વસુલવાનો રહેશે. કોઇ વ્યક્તિ લેબોરેટરી પર ટેસ્ટ કરાવે તો અત્યાર સુધી ૮૦૦ ચાર્જ થતો હતો તેમાં ૧૦૦ નુો ઘટાડો કરી ૭૦૦ રૂપિયા જ ચુકવવાનાં રહેશે. માં વાસ્તલ્ય કાર્ડ ધરાવે છે તેવા લોકોની રજુઆતોને ધ્યાને લઇને આ કાર્ડની મુદ્દત પુર્ણ થઇ છે તેને ૩ મહિના માટે વધારો કરવામાં આવ્યો છે. હવે આગામી ત્રણ મહિના સુધી માં વાત્સલ્ય કાર્ડ એક્સપાયર થયું હશે તો પણ કાર્ડ ચલાવવાનું રહેશે. તે અંગે પણ સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કોઇ હોસ્પિટલ કાર્ડ એક્સપાયર થઇ ગયું છે તેમ કહી મનાઇ નહી કરે. એક્સપાયર કાર્ડ પણ આગામી ત્રણ મહિના સુધી માન્ય રાખવાનું રહેશે. લોકડાઉન અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે, અનેક મહાનગરો અને નગરોમાં રાત્રી કર્ફ્યૂં છે. આ ઉપરાંત સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યા છે.
કોઇ વિકએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો પણ ભીડ એકત્ર ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે વિચારણા થતી હશે તેના અંગે અલગથી તમને માહિતગાર કરવામાં આવશે. ઓક્સિજન અંગે પુછવામાં આવતા નીતિન પટેલે જણાવ્યું કે, ઓક્સિજનનાં એક્સપોર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુજરાતમાં ઉત્પાદીત થતો તમામ ઓક્સિજન માત્ર અને માત્ર આરોગ્ય હેતુસર જ ઉપયોગમાં લેવામાં આવે છે. ઔદ્યોગિક વપરાશ પર સંપુર્ણ પ્રતિબંધિત છે. સરકાર પ્રયાસો કરી રહી છે.