(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧૯
રાજધાની દિલ્હીની સ્થિતિ રોજેરોજ બદથી બદતર થઈ રહી છે ત્યારે સીએમ કેજરીવાલે આજ રાતથી છ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩,૫૦૦ નવા કેસો સામે આવ્યા છે. હાલ દિલ્હીમાં એવી સ્થિતિ છે કે દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, રેમડેસિવિરની ગંભીર અછત છે અને ઓક્સિજનની પણ હોસ્પિટલોમાં તંગી છે.સીએમ કેજરીવાલે આજે લોકડાઉનની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાને કાબૂમાં લેવા માટે હવે લોકડાઉન સિવાયબીજો કોઈ વિકલ્પ નથી. તેમણે દિલ્હીવાસીઓને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન સરકાર આરોગ્ય સેવાઓને વધુ ઉન્નત બનાવવા માટે કામ કરશે. આ લોકડાઉન ખૂબ નાના ગાળા માટે હોવાથી કેજરીવાલે પરપ્રાંતિય મજૂરોને દિલ્હીમાંથી પલાયન ના કરવા માટે પણ કહ્યું હતું. આજે રાત્રે ૧૦ વાગ્યાથી લાગુ થનારું લોકડાઉન સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે.
આ દરમિયાન તમામ સરકારી ઓફિસો બંધ રહેશે. જોકે, ઈમરજન્સી સેવાઓના અધિકારીઓને આઈડી કાર્ડ બતાવી ઓફિસે જવા-આવવાની છૂટ રહેશે. લોકડાઉન દરમિયાન જીવનજરુરી ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી સેવાઓ પણ ચાલુ રહેશે. આ સિવાય દિલ્હીની બહાર જતાં કે દિલ્હીમાં આવતા લોકોને એરપોર્ટ કે રેલવે સ્ટેશન પરથી જ્યાં પણ જવું હોય ત્યાં જવાની છૂટ રહેશે. જોકે, તેના માટે તેમણે પોતાની ટિકિટ બતાવવાની રહેશે. લગ્નપ્રસંગમાં પણ ૫૦થી વધુ લોકો હાજર નહીં રહી શકે. એક સપ્તાહ દરમિયાન દિલ્હીમાં તમામ શોપિંગ સેન્ટર્સ, મોલ્સ, વીકલી માર્કેટ, મેન્યુફેક્ચરિંગ યુનિટ, શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા, થિયેટર, બાર, હોટેલ, રેસ્ટોરાં જિમ, સ્પા, સલૂન સહિતની બધી દુકાનો પણ બંધ રહેશે.દિલ્હીમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે લોકડાઉન સિવાય બીજા પણ પગલાં લેવાયા છે. કોઈના મરણપ્રસંગમાં ૨૦ લોકોને એકત્ર થવા માટે પરવાનગી આપવામાં આવી છે. જોકે, સરકારે લોકડાઉનમાં પ્રેગનેન્ટ મહિલાઓ, દર્દીઓ તેમજ તેમની સાથે હોસ્પિટલમાં જતાં સગાસંબંધીઓને છૂટ આપી છે. જે લોકો વેક્સિન લેવા કે પછી ટેસ્ટ કરાવવા જતાં હોય તેમને પણ વેલિડ આઈડી બતાવીને જવા દેવામાં આવશે.
દેશમાં અત્યારસુધી અનેક રાજ્યો નાઈટ કરફ્યુથી લઈને વીકેન્ડ લોકડાઉન જેવી જાહેરાતો કરી ચૂક્યા છે. સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન જેવા જ આકરા નિયંત્રણો ધરાવતો કરફ્યુ હાલ અમલમાં છે. ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં સાંજે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ગુજરાતમાં પણ સ્થિતિ નિયંત્રણ બહાર હોવા છતાંય સરકારે હજુ સુધી સખ્ત લોકડાઉન જેવા કોઈ પગલાં નથી લીધા.