રાજ્ય ઈચ્છે તો લૉકડાઉન લાગુ કરી શકે છે : ગૃહમંત્રી અમિત શાહ

199

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૧૯
દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે ફરી એક વાર લૉકડાઉન લાગુ કરવાની ચર્ચાઓ તેજ બની ગઈ છે. કોરોનાના વધતા કેસોને જોતાં ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે, તેની પર અમારી સતત નજર છે. તેઓએ કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લૉકડાઉન જ કોરોનાની ચેનને તોડવાનો એકમાત્ર વિકલ્પ છે તો તેઓ લૉકડાઉન પર વિચાર કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લૉકડાઉનની શક્યતાઓ પર તેને રાજ્યોના વિવેક પર છોડવાનો ઈશારો કર્યો. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ કોવિડની નવી લહેર પહેલાથી અનેકગણી વધારે ખતરનાક સાબિત થઈ છે. બીજા દેશોમાં કોરોનાના કારણે જેટલું મોટું નુકસાન થયું છે તેની તુલનામાં ભારતની વસ્તીના હિસાબથી અમે સારું કામ કર્યું છે. તેઓએ કહ્યું કે અમે આ વાત દાવા સાથે કહી શકીએ છીએ કે ભારતે કોવિડથી લડવામાં અપેક્ષાકૃત સારું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે, કોરોનાની આ લડાઈને રાજ્ય સરકારોની સાથે મળી લડવાની જરૂર છે.
તેઓએ કહ્યું કે, દેશમાં રેમડેસિવર દવા અને ઓક્સિજનની અછત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત હાલતની સમીક્ષા કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, ગયા વર્ષે આપણે કોરોનાને લઈ તૈયાર નહોતા. ત્યારે આપણી પાસે કોઈ દવા કે વેક્સીન નહોતી. હવે સ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. ડૉક્ટર કોરોનાને સારી રીતે સમજી ચૂક્યા છે. તેમ છતાંય અમે મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સામન્ય સહમિત જો સધાય તો અમે તે મુજબ આગળ વધીશું. હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતાં લૉકડાઉન જેવી સ્થિતિ નથી દેખાતી. દેશભરમાં કોરોનાની નવી લહેર કહેર મચાવી રહી છે તે સમયે દેશના ગૃહમંત્રી અમિત શાહે આ બાબતે પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે કોરોનાની બીજી લહેરને સંપૂર્ણપણે ગંભીરતાથી લીધી છે અને આગળ પણ તેને ગંભીરતાથી જ લેવાનો નિર્ધાર છે. તેમણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પર પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકડાઉનનો નિર્ણય રાજ્યો પર છોડવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના પરિણામો પર વાત કરતાં અમિત શાહે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછી ૨૦૦ સીટો જીતશે. ધ્રુવીકરણને લગતા સવાલ પર ગૃહમંત્રીએ જણાવ્યું કે, આવું મીડિયામાં જણાઈ રહ્યું છે અને જય શ્રી રામનો નારો માત્ર ધાર્મિક નારો નથી, તે પશ્ચિમ બંગાળની જનતાની પીડાને સામે લાવે છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે જણાવ્યું કે કોંગ્રેસ એક કન્ફ્યુઝ સેક્યુલર પાર્ટી છે. પશ્ચિમ બંગાળમાં અબ્બાસ સિદ્દીકી તો મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરે છે.

Previous articleદિલ્હીમાં કોરોના પર કાબૂ માટે છ દિવસનું લોકડાઉન લદાયું
Next articleભારતમાં ચોવિસ કલાકમાં ૨.૭૩ લાખ કેસ, ૧૬૦૦થી વધુનાં મોત