(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૯
ભારત રોજ કોરોનાના રેકોર્ડ તોડી રહ્યું છે, હવે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રવિવારે ભારતમાં ૨.૭૩ લાખ કોરોનાના કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ભારતમાં ૧૬૦૦થી વધારે દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં ૨,૭૩,૮૧૦ નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧.૫૦ કરોડને પાર કરીને ૧,૫૦,૬૧,૯૧૯ થઈ ગઈ છે.ભારતમાં વધુ ૧,૬૧૯ લોકોએ કોરોનાના લીધે દમ તોડ્યો છે, આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૭૮,૭૬૯ પર પહોંચી ગયો છે.
સતત દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે એક્ટિવ કેસની સંખ્યા ૧૯,૨૯,૩૨૯ પર પહોંચી ગઈ છે. સતત એક્ટિવ કેસની સંખ્યા વધવાના કારણે ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૧,૪૪,૭૬૯ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે, જેની સાથે સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો ૧,૨૯,૫૩,૮૨૧ થઈ ગયો છે.આઈસીએમઆર મુજબ કુલ ૧૩,૫૬,૧૩૩ દર્દીઓના સેમ્પલ રવિવારે લેવામાં આવ્યા છે. દેશમાં કોરોના ટેસ્ટ માટે લેવાયેલા કુલ સેમ્પલનો આંકડો ૨૬,૭૮,૯૪,૫૪૯ પર પહોંચી ગયો છે. આ સાથે દેશમાં કોરોનાની રસીના કુલ ૧૨,૩૮,૫૨,૫૬૬ ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં રવિવારે વધુ ૩,૬૯૪ નવા કોરોના કેસ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧ લાખને પાર થઈ ગયો છે. અમદાવાદ ભારતનો ૨૩મો જિલ્લો બન્યો છે કે જ્યાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧ લાખને પાર થઈ ગઈ છે. કોરોના મહામારીમાં અમદાવાદ સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લો રહ્યો છે, ગુજરાતમાં નોંધાતા કોરોના દર ૪ કેસમાંથી ૧ અને દર ૨ મૃત્યુમાંથી એક અમદાવાદના હોય છે.ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આજે (૧૯ એપ્રિલ) ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થઈ ગયો છે.