ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ૧ કલાક સુધી ઓક્સિજનનું પ્રેશર લો થયું, ૮ દર્દીઓ તરફડિયાં મારી-મારીને મર્યા

757

ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સોમવારે બપોરના સુમારે ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યુ છે, જો કે આ બાબતને સત્તાવાર સમર્થન સાંપડ્યુ નથી. સર ટી.ના ટ્રોમા સેન્ટરમાં ધડાધડ એક પછી એક અંતિમ શ્વાસ લેતા હાહાકાર મચી ગયો હતો.કોરોનાનો પરિસ્થિતિ સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ સતત વણસી રહી છે. સરકારી તંત્રમાં કોઇ સંકલન રહ્યું નથી અને પત્તાના મહેલની માફક ધરાશાયી થયું છે. સારવાર-સગવડ-સંકલનના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે.
રાજકીય પક્ષના નેતાઓ, કાર્યકરો મોતનો તમાશો નિહાળી રહ્યા છે. કોઈ કોઈનું રહ્યું નથી. સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓ સાજા પણ થઇને બહાર આવી રહ્યા છે, પરંતુ તેનાથી વધુ આ વોર્ડના દર્દીઓને ભાગે જે યાતનાઓ આવે છે તેના વડે તેઓ જીવતાં મોત ભાળી જાય છે. કોવિડ વોર્ડમાં સોમવારે બપોરના સુમારે ઓક્સિજન પ્રેશર લો થઇ થતાં ૧૩ દર્દી તડફડિયાં મારવા લાગ્યા હતા અને તે પૈકી ૮નાં મોત થયાં હોવાનું સર ટી. હોસ્પિટલનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બાયો મેડિકલ એન્જિનિયર દ્વારા ઓક્સિજન સપ્લાઇ અંગેનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અવિરતપણે ફરજ બજાવી રહ્યા હોવાથી હવે ક્યાંક તેઓના માનસમાં પણ લાપરવાહી પ્રવેશી છે. કોવિડના દર્દીઓને સર ટી. હોસ્પિટલમાં લાવ્યા પછી ઇમર્જન્સીમાં ચેક-અપ અને ત્યાર બાદ વોર્ડમાં લઇ જવા સુધીની પ્રક્રિયાઓમાં ફરજ પરના કર્મીઓના વાણી-વર્તનથી દર્દી અને તેના સગા સંબંધીઓ ધીરજ ગુમાવી બેઠા છે, અને આવા અસંખ્ય બનાવ સિવિલ હોસ્પિટલમાં બની રહ્યા છે, પરંતુ તંત્ર પણ નિષ્ઠુર બની ગયું છે, સામાન્ય દર્દીઓનું સાંભળવા વાળું પણ કોઇ રહ્યું નથી.
ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક ક્ષેત્રે પરવડે નહીં, તેથી સિવિલ હોસ્પિટલના શરણે તેઓ જાય છે, અહીં પણ તેઓને હાંશકારો મળતો નથી. એક બારીથી બીજી બારી, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખખડધજ્જ સાધનોથી દર્દી ખાટલે પહોંચે ત્યાં સુધીમાં અધમૂવો થઇ જાય છે.

Previous articleકોંગ્રેસના નેતા સરકાર સાથે સહયોગ કરે તો સારુઃ હર્ષવર્ધન
Next articleભાવનગર શહેરમાં નાઇટ કર્ફ્યુનો કડક અમલ કરાવવા એસપીની સુચના