ફાયર સ્ટેશન તોડીને મનપાની નવી ઇમારત બાંધવા ૧૭.૮૩ કરોડ ખર્ચાશે

695
gadnhi742018-5.jpg

ગાંધીનગરમાં મહાપાલિકા કાર્યરત થયા પછી તેની કચેરી જુની કલેક્ટર ઓફિસમાં કાર્યરત કરવામાં આવી છે. મહાપાલિકાએ પોતાની ઇમારત માટે સરકાર પાસે જગ્યાની માગણી કરી હતી. પરંતુ તેના પર કોઇ નિર્ણય નહીં લેવાતા આખરે ૭ વર્ષ રાહ જોયા પછી મહાપાલિકાની નવી ઇમારત બાંધવા માટે હાલના ફાયર સ્ટેશનને પાડી નાખીને ત્યાં બાંધકામ કરાશે. મહાપાલિકાના બજેટમાં આ બાંધકામ માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.
પરંતુ હવે તેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે અને ૧૫ ટકા નીચા ભાવનું રૂપિયા ૧૭.૮૩ કરોડનું ટેન્ડર આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીની બદલી થઇ છે. પરંતુ આ મહત્વના મુદ્દે તેઓ ચાર્જ છોડે તે પહેલા સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાઇ જશે. કમિશનરની બદલી થયા બાદ ગત ૪ તારીખે સામાન્ય સભા બોલાવાઇ હતી અને તેમાં સફાઇ કામદારોના વારસોને નોકરી મુદ્દે ઉમદા નિર્ણય લેવાયા બાદ તારીખ ૬ ઠ્ઠીએ સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે.
તેમાં ૧૩ મુદ્દાનો એજન્ડા રાખવામાં આવ્યો છે અને વિવિધ બાંધકામ કરવા તથા વાહન, સાધનની ખરીદીની મંજુરી માટેની મુદ્દા સમાવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે છેલ્લા એક વર્ષમાં હાથ પર લેવામાં આવેલી અનેકવિધ યોજનાઓને તેનાથી ગતિ મળવાની છે.આમ આગામી દિવસોમાં મનપાની નવી ઈમારત બની જશે. અને શહેરીજનોને વધુ સારી સુવિધા મળતી થઈ જશે. આ માટે હાલ તૈયારી ચાલી રહી છે.
સેક્ટર ૧૭માં જિલ્લા પંચાયત ભવનની બાજુમાં નગરની સ્થાપના વખતનું ફાયર સ્ટેશન આવેલું છે. ત્યાં નવી ઇમારત બાંધવાની સાથે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાંથી સ્માર્ટ સિટી સંબંધમાં તમામ પ્રકારે નિયમન અને નિયંત્રણ કરી શકાશે. તેમાં સીસી ટીવી કેમેરા નેટવર્ક, એલઇડી લાઇટ અને વાઇફાઇ નેટવર્ક, પાણી અને ગટર વ્યવસ્થાપન સહિતની બાબતો સમાવાશે. તેના માટે જરૂરી વિડીયો વોલ ઉપરાંત વિરાટ કદના બોર્ડ વિવિધ મેસેજ માટે તૈયાર કરાશે. સિટી ઇજનેર ભરત પંડ્‌યાએ જણાવ્યું કે આ સ્થળે જ ઝોન ઓફિસનું બિલ્ડીંગ બાંધવામાં આવશે અને તેમાં જ ફાયર સ્ટેશનની તમામ અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. જે વહીવટી ઇમારતને ક્યાંય અડચણરૂપ થશે નહીં.

Previous articleકુંભારવાડા પ્લાસ્ટીક કારખાનામાં આગ-માલ, મશીનરી બળીને ખાખ
Next articleટીબી સાથે જોડાયેલા કર્મચારીઓના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન