દર વર્ષે ભાવનગર શહેરના પછાત વિસ્તારોમાં વર્ષના આઠ માસ પિવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થાય છે. જેમાં ઉનાળામાં સ્થિતિ વધુ કફોડી બને છે આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલવા નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. તો બીજી તરફ તંત્ર પણ ગરીબ લોકોની રાવ કાયમ માટે કળી ગયું હોય તેમ રજૂઆત સમયે હૈયાધારણા સિવાય કશું પણ આપતું નથી. આવા અનેક વિસ્તારો પૈકી એક એવાં ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીના ફાફા છે.
સોસાયટીમાં પાણી માટે મહિલાઓને ઠેરઠેર ભટકવું પડે છે. ચૂંટાયેલા કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. હાલ ૩૯-૪૦ ડીગ્રી તાપમાનમાં લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા સ્થાનિકોની માંગ છે.