રાજ્યમાં ટીબી અને ક્ષય જેવા રોગોની સારવારમાં જોડાયેલ ૬૦૦થી વધારે કર્મચારીઓ આજે પોતાની માંગણીઓ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પગાર વધારો, મેડિકલ રજાઓ, કાયમી કરવા સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રામધુન, હનુમાન ચાલીસાના પાઠ બોલી વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યસરકાર હસ્તક ચાલી રહેલી આર.એન.ટી.પી યોજનામાં કામ કરતા કર્મચારી મહિલાઓને પણ મેડીકલ રાજાઓનો પગાર નહીં મળતો હોવાની સાથે અન્ય માંગણીઓને લઇ વિરોધ નોંધાવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્રમાં ફરજ બજાવતા ૨૫ જેટલા કર્મચારીઓ પગાર વધારા સહિતની વિવિધ માંગો સાથે તંત્ર સમક્ષ ઘણા સમયથી રજુઆતો કરી રહ્યા છે. પરંતુ માંગણીનો ઉકેલ ન આવતા બુધવારે ક્ષય કેન્દ્રનાં ગેટ પર સમાન કામ સમાન વેતનનાં મુદ્દે સુત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યુ હતુ અને તબીબોને ગુલાબના ફુલ આપ્યા હતા. ૨૦ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને રૂ.૨૫ હજારનો પગાર આપવાની મુખ્ય માંગ છે.
કર્મચારીઓ દ્વારા તાળાબંધી પણ કરવામાં આવી હતી. ત્યારે શુક્રવારે સત્યાગ્રહ છાવણીએ આ મુદ્દે ધરણા પર બેસવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે