કલોલ તોફાનમાં ST ડ્રાઇવરની ૨૦૦ સામે રાવ, વધુ ૬ આરોપીની ધરપકડ

728
gadnhi742018-6.jpg

કલોલ શહેરમાં બુધવારે બપોરે હથીયાર ધારી ટોળાએ હાઇ-વે પરની હોટેલ સીંદબાદ પાસે માર્ગ પર ધસી આવીને તોડફોડ મચાવી હતી. જેમાં ખાનગી વાહનોની સાથે સાથે મુસાફરો સાથેની એસટી બસોને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવી હતી. ત્યારે મહેસાણા ડેપોની તોડફોડનો ભોગ બનનારી એસટીનાં ડ્રાઇવર દ્વારા આશરે ૨૦૦ લોકોનાં ટોળા સામે સરકારી મિલ્કતને નુકશાન કરવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
મહેસાણા એસટી ડેપોમાં ડ્રાઇવર કમ કન્ડકટર તરીકે ફરજ બજાવતા ભાવીનભાઇ જયંતીભાઇ પટેલ દ્વારા કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે બુધવારે બપોરે ૧૧ વાગ્યે પોતાની બસ નં જીજે ૧૮ ઝેડ ૨૭૨૯ લઇને નિકળ્યા બાદ ૧૨ વાગ્યે કલોલની સીંદબાદ હોટેલ પાસે પહોચતા લાકડી, ધોકા તથા તલવાર જેવા હથીયારો સાથે આશરે ૨૦૦ લોકોનું ટોળુ રોડ પર ડાઇવર્ઝનનાં પતરામાં તોડફોડ કરી રહ્યુ હતુ. બસને જોઇને ટોળુ ધસી આવ્યુ હતુ.
બસ રોકાવીને તોડફોડ શરૂ કરી દીધી હતી. જેમાં આગળનાં બંને કાચ તથા બારીઓનાં કાચ મળીને ૭ કાચમાં તોડફોડ કરતા બસમાં બેઠેલા મુસાફરોમાં બુમરાળ મચી ગઇ હતી. પોલીસ વાહનો આવી જતા મુસાફરોને બચાવવા બસ આગળ લઇ જઇને બીજી બસમાં મોકલી કલોલ ડેપો વર્કશોપમાં બસને લઇ જવાઇ હતી. સદભાગ્યે મુસાફરોને ઇજાઓ પહોચી નહોતી. આ ટોળાએ પાછળ આવતી બસ નં જીજે ૧૮ ઝેડ ૦૫૯૪માં પણ તોડફોડ કરી હતી. જે થરાડ ડેપોની અમદાવાદથી વાવ રૂટની હતી.
કલોલમાં બુધવારે તોફાન થતા પોલીસે ટીયરસેલ છોડીને લાઠીચાર્જ કરીને ૧૮ જેટલા આરોપીઓની ધરપકડ કરી સ્થિતી થાળે પાડી હતી. પોલીસ દ્વારા સિંદબાદથી કસ્બા સુધીનાં વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇને પેટ્રોલીંગને સઘન બનાવી દેવાયુ હતુ. ત્યારે ગુરૂવારે આ કેસમાં વધુ ૬ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે શહેરમાં પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે.

Previous articleટીબી સાથે જોડાયેલા કર્મચારીઓના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન
Next articleમાર્ગ મકાન વિભાગ દ્વારા યોાજયેલ ર૧મી રકતદાન શિબિરમાં ૩પ૦ યુનિટ રકતદાન