(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૧
કોરોના વાયરસ સામે લડવામાં રસી કારગત સાબિત થઈ રહી હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે. રસી લેનાર વ્યક્તિને કોરોના નહીં થાય તેવી કોઈ ગેરન્ટી નથી પરંતુ જેમણે રસીના બે ડોઝ લેધા છે તેમના પર કોરોના વાયરસની ગંભીર અસર ન થતી હોવાનું સામે આવી રહ્યું છે. આવામાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ ૧ મેથી રસી લઈ શકશે તેવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ૧ મેથી ઓપન માર્કેટમાં રસીનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. આમ છતાં કેમિસ્ટ કે ફાર્માસીસ્ટના ત્યાં વેક્સીન નહીં મળે. માત્ર હોસ્પિટલ અને વેક્સીન સેન્ટર પરથી જ રસી મળશે. એક અધિકારીએ જણાવ્યું કે, રસીને ઈમરજન્સી લાયસન્સ મળશે, એવામાં કેમિસ્ટ તેને નહીં વેચી શકે. તેને એક પ્રોપર સેટઅપમાં ગાઈડલાઈનને ફોલો કરીને લગાવવી જરુર છે. એટલે કે વેક્સીનને સુરક્ષિત રાખવા માટે કેટલાક ખાસ સાધનોની જરુર પડતી હોય છે.
રસીકરણ પછી પ્રતિકૂળ પ્રભાવો (એઈએફઆઈએસ)ને કૃવિન પર નોંધવામાં આવશે અને તેનું મોનિટરિંગ કરાશે. સરકાર જલદી જ ડૉક્ટરો અને સામાન્ય પ્રજા માટે એડવાઈઝરી પણ જારી કરી શકે છે, જેમાં એઈએફઆઈએસની ઓળખ, તપાસ અને પ્રતિબંધની તપાસ કરાશે. એડવાઈઝરીમાં એ લક્ષણોનો ઉલ્લેખ કરાશે જેના પર રસી લગાવ્યા બાદ નજર રાખવામાં આવશે.
મોટાભાગની કંપનીઓ કોરોના રસીના એક ડોઝની કિંમત ૭૦૦ રુપિયાથી ૧,૦૦૦ રુપિયા વચ્ચે રાખવા માગે છે.
હાલ સરકારે રસીની કિંમત ૨૫૦ રુપિયા કેપ કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા કહે છે કે પ્રાઈવેટ માર્કેટમાં કોવિશિલ્ડનો એક ડોઝ લગભગ ૧૦૦૦ રુપિયાનો હશે. ડૉ. રેડ્ડીઝ જો કે જેઓ રશિયાની વેક્સીન સ્પૂતનિક વીની આયાત કરે છે, તે ૭૫૦ રુપિયા પ્રતિ ડોઝ ભાવ રાખી શકે છે, જોકે આ અંતિમ નિર્ણય નથી થયો.
વેક્સીન નિર્માતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, ઘણાં કારણોના લીધે ભાવ વધારાયો નથી. વેક્સીનની કિંમત એ બાબત પર પણ નિર્ભર કરે છે કે કંપનીઓ પ્રાઈવેટ માર્કેટમાં કેટલા ડોઝ વેચી શકે છે. હજુ કેન્દ્ર દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. કંપનીઓએ મોટું રોકાણ કર્યું છે, એવામાં સારી આવક જનરેટ કરવા માટેનું દબાણ પણ રહેશે.
ડૉ. રેડ્ડી લેબોરેટરીઝના મેનેજિંગ ડિરેક્ટર જેવી પ્રસાદે જણાવ્યું કે, આયાત કરાયેલી રશિયાની કોરોના રસી ૧૦ ડૉલર પ્રતિ ડોઝ (હાલના એક્સચેન્જ રેટ પ્રમાણે ૭૫૦ રુપિયા)માં ઉપલબ્ધ થશે. તેમણે ઈશારો કર્યો કે ભારતમાં બનનારી સ્પૂતનિક વી વેક્સીનનો ડોઝ ૧૦ ડૉલરથી ઓછામાં મળશે. પ્રસાદે એ પણ કહ્યું કે સ્પૂતનિક વી ને જૂનમાં ભારતમાં ઉતારવાની યોજાના છે.
મે મહિનાથી દેશમાં ૧.૨ બિલિયન વધારાના ડોઝની જરુર પડશે. ભારતની લગભગ ૪૪% વસ્તી એટલે કે લગભગ ૬૦ કરોડ લોકોની ઉંમર ૧૮થી ૪૫ વર્ષની છે. ક્ષમતા વધારવા છતાં, ભારત બાયોટેક (કોવેક્સિન), સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (કોવિશિલ્ડ) અને ડૉક્ટર રેડ્ડી (સ્પૂતનિક વી) મળીને દર મહિને ૧૧.૫ કરોડ ડોઝ આપી શકશે, જે કુલ ડિમાન્ડના લગભગ ૧૦% જ થાય છે. આમાં બાકી રસીઓના ઉત્પાદનના આંકડાનો સમાવેશ કરાયો નથી.
ઈઝરાઈલમાં કોવિડ-૧૯ આ વેરિયન્ટના ૮ કેસ મળ્યા છે, જેની ઓળખ સૌથી પહેલા ભારતમાં થઈ હતી. ઈઝરાઈલ મુજબ ફાઈઝર/બાયોએનટેકની રસી આ વેરિયન્ટની સામે થોડી પ્રભાવિત સાહિત થઈ શકે છે. ઈઝરાઈલે લગભગ ૮૧% નાગરિકોને વેક્સીન આપી છે.