બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દર વર્ષે હનુમાન જયંતી લાખો હરિભક્તોની ઉપસ્થિતિમા ઉજવાતો આવ્યો છે પરંતુ ચાલુ વર્ષે તા.૨૭ એપ્રિલને મંગળવારના રોજ હનુમાનજયંતિ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમા રાખી મંદિરના સંતો અને પાર્ષદોની ઉપસ્થિતિમા સાદગાઇથી ઉજવવામા આવશે. હનુમાન જયંતિ નિમિતે દાદાના મંદિરમા વિશેષ શણગાર અને આરતી કરવામા આવશે. તેમજ મંદિરના ફક્ત સંતો પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક અને રાજપોચાર પૂજા કરાવામા આવશે ત્યારબાદ વિશેષ અન્નકોટ ધરાવવામા આવશે. હનુમાન જયંતિ અંગે મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે હાલની કોરોના મહામારીને ધ્યાને લઇ સમગ્ર વિશ્વના કલ્યાણ અને કોરોના મહામારીના નિવારણ માટે શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે મારૂતિયજ્ઞ કરવામા આવશે. દર વર્ષે યોજાતા શ્રી હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત સમૂહયજ્ઞ પૂજા, લોકડાયરો વગેરે તમામ જાહેર કાર્યક્રમો બંધ રાખવામા આવ્યા છે. તેમજ સરકાર તરફથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી જાહેર જનતા માટે મંદિરના દર્શન, આરતી, ધર્મશાળા અને ભોજનાલય બંધ કરવામા આવ્યા છે. હરિભક્તોને યુટ્યૂબ ચેનલ પર ઘરે બેઠા હનુમાન જયંતિ ઉત્સવના દર્શનનો લાભ લઇ લેવા શાસ્ત્રી સ્વામીએ જણાવ્યુ હતુ.